ઉચા વળતરની લાલચ આપી
અબતક, જામનગર
રાજકોટમાં 800 થી વધુ રોકાણકારો સાથે પ0 કરોડથી વધુ છેતરપીંડી કરી
જામનગરના લોકોને તગડું વ્યાજ આપવાનો લાલચ આપી રાજકોટની એક પેઢીએ કરોડો રૂપિયા ઉઘરાવી લઇ પેઢીને તાળા મારી દેતા ચકચાર મચી ગઈ છે. જામનગરના મયુર શાંતિલાલ સંઘવીએ સીટી બી ડિવિઝન પોલીસમાં આ સંબંધે ફરિયાદ નોંધાવી છે. જેમાં રાજકોટમાં અગાઉ સમય ટ્રેડીંગ અને આશિષ મંડળીના નામે 50 કરોડનું ફુલેકુ ફેરવનાર પ્રદીપ ખોડાભાઈ ડાવેરાએ અન્ય શખ્સો સાથે મળી વર્ષ 2020માં સમય ટ્રેડીંગ નામે પેઢી ખોલી હતી.આ પેઢીમાં રોકાણ સામે આકર્ષક વ્યાજ અને અન્ય લાભો અંગેની લોભામણી જાહેરાતો કરાઇ હતી. જેમાં જામનગરના મયુરભાઈ તેના પરિચિતો તેમજ સબંધીઓએ રૂપિયા 10,48,00,000 નું રોકાણ કર્યું હતું જયારે અન્ય આસામીઓએ પણ 50 લાખનું રોકાણ કરતા જામનગરના લોકોની 11 કરોડની મૂડીએ પેઢીએ પોતાના હસ્તક લીધી હતી. આરોપી પ્રદીપે રોકાણ કારોને કહ્યું હતું કે પોતાનું માર્કેટિંગ નેટવર્ક ખુબ વિશાળ છે. એક લાખ રૂપિયા રોકવાથી તગડું વ્યાજ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
એક લાખની મૂડી સામે પાંચ હજારનું વ્યાજ આપવાનો ભરોસો આપવામાં આવ્યો હતો. આ બાબતને સ્ટેમ્પ પેપર પર લખી આપી આરોપીઓએ જામનગરના લોકો પાસેથી કરોડોનું રોકાણ કરાવ્યું હતું. થોડો સમય વ્યાજની રકમ સારી રીતે ચૂકતે કર્યા બાદ પેઢીએ ઠાગાઠૈયા કર્યા હતા. અંતે પેઢીને તાળા મારી દીધા હતા. બનાવ અંગે જામનગરના મયુરભાઈએ સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સીટી બી ડિવિઝન પોલીસે રાજકોટ તરફ તપાસ લંબાવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 800 થી વધુ રોકાણકારો સૃાથે પ0 કરોડથી વધુ છેતરપીંડી આચર્યાનીફરીયાદ નોંધાય છે.