ખેતીની આવક બમણી કરવા સરકારે તખ્તો કર્યો તૈયાર
સરકાર કૃષિ ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં 20 લાખ કરોડનું રોકાણ કરી 15 લાખ નોકરીઓના સર્જન સાથે કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક મુકામ હાંસલ કરશે
ખેતીની આવક બમણી કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જે માટે સરકાર પરિવર્તન પણ લાવવા માટે કમર કસી રહી છે. ખેતીની આવક બમણી કરવા સરકારે તખ્તો બનાવી લીધો છે. જે મુજબ વર્ષ 2030 સુધીમાં ખેતી ક્ષેત્રમાંથી સરકાર રૂ. 60 લાખ કરોડની આવક કરાવે તેવા ઉજળા સંજોગો વર્તાઈ રહ્યા છે. સ્વતંત્રતા પછી આપણા દેશનાં ખેડૂતોએ તન-તોડ મહેનત કરીને ખેતીને આગળ વધારી છે. આજે દેશનો ખુબ મોટો હિસ્સો ખેતી તરફ રોકાયેલો છે. જેથી દેશમાં ખેતી ક્ષેત્રનું મહત્વ વધુ છે. પણ ભારતમાં હજુ જૂની પદ્ધતિથી થઈ રહેલી ખેતીને કારણે ખેડૂતો સમૃદ્ધ થયા નથી. આજે પણ કિસાનોની હાલત પહેલા જેવી જ છે. માટે ખેતીની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવા માટે સરકારે બીડું ઝડપ્યું છે.
ભારત 2030 સુધીમાં કૃષિ ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં 20 લાખ કરોડના રોકાણ સાથે 15 લાખ નોકરીઓનું સર્જન કરી શકે છે અને 60 લાખ કરોડની આવક પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. જો આમ થશે તો તે દેશનો સૌથી મોટો ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ બની જશે.આ અંદાજ એસ્પાયર ઈમ્પેક્ટના કૃષિ અને ખાદ્ય ક્ષેત્ર પર જાહેર કરાયેલા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મુજબ, દેશ અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બની રહેવાની સાથે, કૃષિ તકનીક અને સંલગ્ન ક્ષેત્રોમાં રોકાણ ભારતીય કૃષિનો ચહેરો બદલી શકે છે અને ખાદ્ય સુરક્ષા અને ટકાઉ કૃષિ ઉકેલો માટે દૂરગામી અસરો પણ થશે.
છેલ્લા એક દાયકામાં કૃષિ ક્ષેત્રે 67,500 કરોડનું વિદેશી રોકાણ મેળવ્યું
એસ્પાયર સર્કલ અને સર્જક-ઈમ્પેક્ટ ફ્યુચર પ્રોજેક્ટના સ્થાપક અમિત ભાટિયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં, ભારતે કૃષિ ક્ષેત્રમાં લગભગ 67500 કરોડનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષ્યું છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન દાયકાએ ભારતીય ઉદ્યોગ માટે આ ક્ષેત્રમાં અપાર સંભાવનાનો ઉપયોગ કરવાની અને તેને ટકાઉ અને ભવિષ્ય માટે તૈયાર કરવાની તકો લાવી છે.