ચોળીનું શાક અને રીંગણાના ઓળાનો નમૂનો લેવાયો: 13 મિલકતધારકો પાસેથી રૂા.25.11 લાખની વસૂલાત
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓ દ્વારા શહેરના ગોંડલ રોડ પર તવાઇ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 24 ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકીંગ હાથધરવામાં આવ્યુ હતું. વાસી પાઉંભાજી અને મન્ચુરીયન સહિત 17 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કરી 13 વેપારી પેઢીઓને નોટીસ આપવામાં આવી હતી. બે સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. ટેક્સ બ્રાન્ચ દ્વારા 13 મિલકતધારકો પાસેથી રૂા.25 લાખની ટેક્સની વસૂલાત કરવામાં આવી છે.
આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે ગોંડલ રોડ પર અલગ-અલગ 24 ખાણીપીણીના ધધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી વાસી પ્રીપેડ શાક, પાઉંભાજી, મન્ચુરીયન, બાંધેલો લોટ, ભાત અને દાળ સહિત કુલ 17 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. 13 વેપારીઓને ફુડ લાયસન્સ તથા અનહાઇજેનીંગ ક્ધડીક્શન અંગે નોટીસ ફટકારવામાં આવી હતી. જૂના જકાતનાકા પાસે રાજમંદિર ફૂડ સર્વિસમાંથી લૂઝ ચોળીનું શાક તથા નેક્સાના શોરૂમ સામે આવેલા સંગીતા રેસ્ટોરન્ટમાંથી રીંગણાના ઓળાનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરી ખાતે મોકવામાં આવ્યો છે.
વેરા વસૂલાત શાખા દ્વારા વોર્ડ નં.13માં 13 મિલકતધારકો પાસેથી રૂા.25.11 લાખની વસૂલાત કરવામાં આવી છે જ્યારે દબાણ હટાવ શાખા દ્વારા બે રેકડી-કેબીન, 350 બોર્ડ-બેનર અને ઝંડીઓ જપ્ત કરી લેવામાં આવી હતી.