પતિ સાથે છુટાછેડા લઇ પોતાની સાથે સબંધ રાખવા દબાણ કરતા એક તરફી પ્રેમમાં પાગલ શખ્સની ધરપકડ
રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં રહેતા રેખાબેન સુનિલભાઇ મકવાણા નામની પરિણીતાએ મંગળવારે સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. પરિણીત પુત્રીએ આપઘાત કરી લીધાની જાણ થતા રાણાવાવના બિલેશ્વર ગામે રહેતા પિતા બાબુભાઇ ભીમાભાઇ ગોહિલ નામના પ્રૌઢ રાજકોટ દોડી આવ્યા હતા. અને પુત્રી રેખાએ રેલનગર સંતોષીનગરમાં રહેતા ધરાર પ્રેમી સંજય હસુ પરમાર નામના શખ્સના ત્રાસથી અંતિમ પગલું ભર્યાનું જણાવી ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમ્નનગર પોલીસે પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર સંતોષીનગરના શખ્સ સામે ગુનો તેની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પોપટપરામાં રહેતા રેખાબેને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકને રેખાના લગ્ન પાંચ વર્ષ પહેલા પોપટપરાના સુનિલ સાથે થયા હતા. સંતાનમાં એક પુત્ર છે. છ મહિના પહેલા પુત્રી રેખાએ તેના પિતા સાથે મોબાઇલમાં વાત કરી હતી કે, સંજય પરમાર અવારનવાર પ્રેમસંબંધ રાખવા અને પતિ સાથે છૂટાછેડા લઇ લેવા દબાણ કરે છે. અને જો તેમ નહિ કરે તો મારી નાખવાની ધમકી આપે છે. પુત્રીની વાત સાંભળ્યા બાદ પિતા રેખાના ભાઇ, ભત્રીજાને લઇ
રાજકોટ આવી સંજય ઉર્ફે બુધાને તેમજ તેના પિતા હસુભાઇને પુત્રીને હેરાન નહિ કરવાની વાત કરી હતી.આ સમયે સંજય ઉર્ફે બુધો માની જતા મામલો થાળે પડી ગયો હતો. થોડા સમય બાદ સંજય ઉર્ફે બુધાએ ફરી પુત્રી રેખાને તેના મોબાઇલ પર મેસેજ તેમજ વીડિયો કોલ કરી સંબંધ રાખવા દબાણ કરી માનસિક ત્રાસ આપતો હોવાની પુત્રી રેખાએ વાત કરી હતી. ત્યારે આ બાબતે રાજકોટ આવીએ તે પહેલા જ પુત્રીએ સંજય ઉર્ફે બુધાના ત્રાસથી કંટાળીને પંખાના હૂકમાં દોરીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું મૃતક રેખાના પિતાએ જણાવ્યું છે. પીએસઆઇ બી.વી.બોરીસાગરે આપઘાત માટે મજબૂર કરનાર સંજય ઉર્ફે બુધા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.