સરકારની મંજૂરી વિના રખાયેલા નિવૃત્ત કર્મચારીને હટાવવાનો પરિપત્ર : કર્મચારીઓને ગમે ત્યારે છુટા કરી દેવાશે
અબતક, રાજકોટ : સરકારની મંજૂરી વિના આઉટસોર્સમાં રાખવામાં આવેલ નિવૃત કર્મચારીઓને હટાવવાનો ખુદ સરકારે પરિપત્ર જાહેર કર્યો હોય, આવા ડઝન જેટલા કર્મચારીઓ જિલ્લામાં ફરજ બજાવતા હોવાથી તેઓને ગમે ત્યારે છુટા કરી દેવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.
સરકારની પૂર્વ મંજૂરી વિના આઉટસોર્સમાં કામ કરતાં નિવૃત અધિકારી-કર્મચારીઓને છૂટા કરવા આદેશ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ ઠરાવ કરાયો છે જેમાં મંજૂરી વગર રખાયેલા નિવૃત સરકારી અધિકારી-કર્મચારીઓની નિમણુંકોને તાત્કાલિક અસરથી અંત લાવીને સરકારને જાણ કરવા સૂચના અપાઈ છે.
રાજકોટ જિલ્લાના પણ અંદાજે ડઝન જેટલા એવા નિવૃત કર્મચારી છે જે હાલ આઉટસોર્સ તરીકે કામ કરી રહ્યા છે. સરકારનો પરિપત્ર જાહેર થવાના કારણે આવા કર્મચારીઓ ઉપર લટકતી તલવાર જોવા મળી રહી છે. આ ડઝનેક કર્મચારીઓને આગામી 31 ડિસેમ્બરે છુટા કરી દેવામાં આવે તેવું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.