જીએચએસ ઇન્ડેક્ષમાં ભારત ૪૨.૮ના સ્કોર સાથે વિશ્વભરના દેશોની યાદીમાં ૬૬માં ક્રમાંકે
ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી(જીએચએસ) ઇન્ડેક્સ ૨૦૨૧ અનુસાર કોરોના મહામારીને નાથવા વિશ્વભરના દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મહામારીને નાથવા કુલ ૬ પગલાં મુખ્યત્વે જરૂરી છે તેવું અવલોકન કરીને તમામ ૬ મુદ્દામાં વિશ્વભરના દેશોને રેટિંગ પણ આપવામાં આવ્યા છે.
આરોગ્ય સુરક્ષાના માપદંડ તરીકે ઈન્ડેક્સ આરોગ્ય કટોકટી અને તેને રોકવા સૌથી વધુ વ્યાપક ક્ષમતા ધરાવતા દેશોને સર્વોચ્ચ સ્કોર આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧માં વૈશ્વિક એકંદર સ્કોર ૧૦૦ માંથી ૩૮.૯ રહ્યો છે જે આવશ્યકપણે વર્ષ ૨૦૧૯ની સમકક્ષ રહ્યો છે.
ઇન્ડેક્સ સ્કોરર્સને પાંચ સ્તરોમાં વર્ગીકૃત કરે છે. જેમાં વિશ્વનો એક પણ દેશ ટાયર-૫ સુધી પહોંચી શક્યો નથી. ટાયર-૫માં પહોંચવા માટે કોઈ ઓણ દેશે ૧૦૦માંથી ૮૦.૧ સ્કોર પ્રાપ્ત કરવો પડે છે. જે મોટો સંકેત છે કે વિશ્વભરના તમામ દેશોની આરોગ્ય સુવિધામાં નોંધપાત્ર ગાબડાં છે. સાથોસાથ આ સ્કોરને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો વિશ્વનો એક પણ દેશ કોરોનાની ત્રીજી લહેર કે પછી અન્ય કોઈ આરોગ્ય કટોકટી માટે સંપૂર્ણપણે તૈયાર નહીં હોવાનો ધડાકો આ સ્કોર થકી થયો છે.
જીએચએસ ઇન્ડેક્સ મુજબ અમેરિકા ૭૫.૯ના સ્કોર સાથે તમામ દેશોની યાદીમાં ટોચ પર છે. નોંધનીય છે કે, અમેરિકા વર્ષ ૨૦૧૯માં આ ઇન્ડેક્સમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જો કે, યાદીમાં અમેરિકા ટોચમાં હોવા છતાં પણ અમેરિકામાં સૌથી વધુ સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા અને મહામારીને નાથવામાં તે સમયે પણ અમેરિકા નબળું પુરવાર થયું હતું.
જીએચએસ ઇન્ડેક્સ અનુસાર વર્ષ ૨૦૨૧માં ભારતનો એકંદર રેન્ક ૪૨.૮ ના સ્કોર સાથે વિશ્વભરના દેશોની યાદીમાં ૬૬માં ક્રમાંકે છે. જીએચએસ ૨૦૨૧ના ઇન્ડેક્સ અનુસાર છેલ્લા બે વર્ષમાં ભારતનું આર એન્ડ ડી(રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ) વધુ મજબૂત બન્યું છે પરંતુ તેના પ્રિવેંશન પ્રોટોકોલ, આરોગ્ય પ્રણાલી અને ઝડપી પ્રક્રિયાઓમાં કોઈ વધારો થયો નથી.
અમેરિકામાં ઓમિક્રોન કેસમાં ફક્ત એક જ અઠવાડિયામાં ૩% થી ૭૩%નો ઉછાળો!!!
કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકામાં સ્થિતિ એવી બની છે કે ત્યાં નોંધાઇ રહેલા નવા કોરોના દર્દીઓમાંથી ૭૩% ઓમિક્રોનથી સંક્રમિત છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે આ જાણકારી આપી છે. અમેરિકામાં એક સપ્તાહ પૂર્વે કુલ નોંધાતા કોરો કેસ પૈકી ફક્ત ૩% દર્દીઓ જ ઓમિક્રોન વેરિયન્ટના હતા પરંતુ હાલ કુલ દર્દીઓ પૈકી ૭૩% ઓમીક્રોન સંક્રમિત હોવાનો ધડાકો થયો છે.
સીડીસીએ કહ્યું છે કે, યુએસમાં માત્ર એક સપ્તાહમાં ઓમિક્રોનના કેસોમાં ૬ ગણો વધારો જોવા મળ્યો છે. સીડીસીનો અંદાજ છે કે, યુએસના ઘણા ભાગોમાં આ આંકડો વધુ છે. ઓમિક્રોન વેરિઅન્ટ ન્યૂયોર્કમાં ૯૦ ટકા નવા કેસ પાછળ છે. સીડીસીના ડાયરેક્ટર ડો. રોશેલ વેલેન્સકી કહે છે કે, આ આંકડો ઊંચો છે પરંતુ આશ્ચર્યજનક નથી. દરમિયાન અમેરિકામાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુના સમાચાર પણ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે અહેવાલ આપ્યો છે કે, અમેરિકામાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે, જે ઓમિક્રોન ચેપને કારણે હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રસીની રસાખેંચમાં અમેરિકાની પહેલ!
મોડર્ના બુસ્ટર દ્વારા એન્ટીબોડી વધારી ઓમીક્રોનને માત આપી શકાશે!
મોડર્ના રસીની ઉત્પાદક કંપનીએ સોમવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, મોડર્ના રસીનો બૂસ્ટર શોટ નોંધપાત્ર રીતે એન્ટિબોડીઝનું સ્તર વધારે છે જે ઓમિક્રોન વેરિઅન્ટને નિષ્ફળ બનાવી શકે છે. સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે મોટાભાગની કોવિડ રસીઓ ઓમીક્રોન સામે બિન અસરકારક સાબિત થઈ રહી છે.
મોડર્નાનાં પરિણામો દર્શાવે છે કે, હાલમાં ૫૦ માઇક્રોગ્રામની અધિકૃત બૂસ્ટર ડોઝ પ્રાથમિક રોગપ્રતિકારક શક્તિ માટે આપવામાં આવતી અડધી માત્રા એન્ટિબોડીઝના સ્તરમાં આશરે ૩૭ ગણો વધારો કરે છે તેવું કંપનીએ જણાવ્યું હતું. મોડર્નાએ જણાવ્યું હતું કે, ૧૦૦ માઈક્રોગ્રામની સંપૂર્ણ માત્રા હજી વધુ શક્તિશાળી હતી જે પૂર્વ-બૂસ્ટ સ્તરોની તુલનામાં એન્ટિબોડીનું સ્તર લગભગ ૮૩ ગણું વધારે છે.