પરિણિતા ઘરે એકલી હતી ત્યારે દેશી બંદૂક સાથે ઇન્દોરથી આવેલા પતિએ બે રાઉન્ડ ફાયરિંગ કયાર્ર્ં
જામનગરમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરની ભાગોળે આવેલા દરેડ ગામે ઔદ્યોગિક વસાહતમાં રહેતા પરપ્રાંતીય પરિવારની રિસામણે બેઠેલી પુત્રીને તેના જ પતિએ ભડાકે દીધી હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.
છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પિયર આવેલી પત્નીથી નારાજ પતિએ આજે સવારે એકાએક જામનગર આવી, એકલી રહેલ તેની પત્ની પર દેશી બંદૂકમાંથી ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વારદાત અંજામ આપીને નાસી છુટેલ પતિને પકડવા પોલીસે નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે.
જામનગરમાં ધડાધડ ફાયરિંગ કરી પતિ દ્વારા પત્નીની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની વિગત મુજબ જામનગરની ભાગોળે આવેલા દરેક ગામના ઔદ્યોગિક વસાહતમાં રહેતા અને અહીં મજૂરી કામ કરતા પરિવારના ઘરે રિસામણે આવેલી 19 વર્ષીય આરાધના આજે બપોરે દોઢેક વાગ્યે પોતાના ઘરે એકલી હતી ત્યારે એકાએક તેનો પતિ મીથુન સોની આવી ચડ્યો હતો. જેને લઈને તેણીએ કારખાને કામે ગયેલ માતાને ફોન દ્વારા જાણ કરી હતી. માતા ઘરે પહોંચે તે પૂર્વે આરોપી મિથુન દેશી હથિયારમાંથી ધડાધડ ફાયરિંગ કરી નાસી ગયો હતો. ઘરે પહોંચેલ માતાએ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી તેણીને હોસ્પિટલ ખસેડી હતી.
બીજી તરફ આ બનાવની જાણ થતાં પંચકોશી બી-ડિવિઝન પોલીસ દળનો કાફલો ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. આ વારદાતની સમગ્ર હકીકતો મેળવી પોલીસ દ્વારા નાસી ગયેલા આરોપીઓની ભાળ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. મૂળ બિહારના અને હાલ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે મજૂરીકામ કરતા આરોપી મિથુન સોની અને ઘાયલ મહિલા આરાધના વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાને લઇને આરાધના ઇન્દોરથી જામનગર રિસામણે બેઠેલી હતી. પત્ની રીસામણે ચાલી જતા ઇન્દોર રહેતો પતિ ઉશ્કેરાયો હતો અને આજે સવારે જામનગર આવી વારદાતને અંજામ આપી નાસી ગયો હતો.