રસીની અસરકારકતા અને બિનઅસરકારકતા કોઈના ફાયદા માટે તો જાહેર નહીં થતી હોય ને ? સામાન્ય લોકોમાં ઉઠતા અનેક સવાલો
રસીને લઈને ભારે અરાજકતા ફેલાઈ રહી છે. આની સામે સામાન્ય માણસ તો બિચારો બનીને માત્ર માથું ખંજવાળીયા સિવાય કંઈ કરી શકે તેમ નથી. કોરોના સામે જે રસી આપવામાં આવી રહી છે તેને એક સંસ્થા બિન અસરકારક ઠેરવી દયે છે તો શું આ હકીકત છે કે પછી કોઈને ફાયદો કરાવવા માટેનું કાવતરું ? આ પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
કોરોનાએ અત્યાર સુધીમાં અનેક વખત રંગ બદલ્યા છે. સામે ભારતે કોવેકસીન અને કોવિશિલ્ડને કોરોના સામેનું હથિયાર ગણાવીને વેક્સીનેશનની ઝુંબેશ વધુમાં વધુ અસરકારક રીતે ચલાવી હતી. પણ હવે વિશ્વ આરોગ્ય સંસ્થા એવું જણાવી રહી છે કે વિશ્વની મોટાભાગની રસીઓ કોરોનાના નવા વેરીએન્ટ સામે બિન અસરકારક છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કરેલા આ નિવેદન ઉપરથી હવે સામાન્ય માણસ સમજી ગયો છે કે આ તો રસીની રસ્સાખેંચ છે. જે સમજની બહાર છે. બીજી તરફ બ્રિટનના એક સંશોધનના અહેવાલમાં જાહેર કરાયુ છે કે ઓમીક્રોન સામે વિશ્વની માત્ર બે રસી ફાયઝર અને મોડર્ના જ અસરકારક છે.
આ સંશોધને બે રસી સિવાયની બાકી બધી રસીને બિન અસરકારક ઠેરવી છે. હવે સામાન્ય માણસમાં શંકા ઉપજી રહી છે કે આ ખરેખર હકીકત છે કે કોઈ દેશ કે કંપનીને ફાયદો કરાવવાનું કાવતરું છે. હાલ વૈશ્વિક મહામારી વિશ્વ આખાને હચમચાવી રહી છે. ત્યારે તેનું નિરાકરણ છે તે રસી ઉપર રમત તો નથી રમાઈ રહી ને? તેવા પ્રશ્નો દરેક લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા છે.