ફૂટપાથની બહાર રેકડી કે પાથરણાં હશે તો જપ્ત કરી લેવાશે: નાનમવા રોડ અને મવડી રોડ પર મેયરની ફેરણી
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદીન વિકરાળ બની રહી છે. રાજમાર્ગો પર રેકડી, કેબીન અને પાટ-પાથરણાંના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે. મેયર ડો.પ્રદિપ ડવએ ગઇકાલે ડી.એમ.સી. એ.આર.સિંઘને સાથે રાખી નાનમવા મેઇન રોડ અને મવડી માર્કેટમાં ફેરણી કરી હતી. ફૂટપાથની બહાર રેકડી રાખનારની રેકડીઓ જપ્ત કરી લેવામાં આવશે. તેવી કડક તાકીદ કરવામાં આવી છે.
શહેરનો વિકાસ દિન પ્રતિદિન હરણફાળ ભરી રહ્યો છે. તેમજ વાહનમાં ખુબજ વધારે પામી રહ્યો છે . જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબજ વધવા પામી છે. આ સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ પરના દબાણ દુર કરવા વન વીક, વન રોડ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. ગઈકાલે મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘ તથા જગ્યા રોકાણ, વીજીલન્સ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા નાનામવા રોડના છેડે આવેલ આંબેડકર ચોકથી જડુંસ રેસ્ટોરન્ટ તરફ જતા રસ્તો તેમજ મવડી વિસ્તારમાં મવડી રોડ પર વિશ્વેશ્વર માર્કેટના રસ્તા પર રેકડી રાખી ધંધો કરતા ફેરિયાઓ દુકાનની આગળ રેકડી, પાથરણા રાખતા હોય છે. જેના કારણે મુખ્ય રસ્તા પર ખૂબ દબાણ થાય છે.
જેથી ટ્રાફિકની સમસ્યા ખુબજ રહે છે અને રોડ પર આવન જાવન કરતા વાહન ચાલકો દ્વારા રજુઆત કરેલ. જેની સ્થળ મુલાકાત કરેલ અને રેકડી વાળાઓને મુખ્ય માર્ગ પર લોકોને હાલાકી થાય તે રીતે રેકડી નહિ રાખવા અને ગંદકી નહિ કરવા સમજવામાં આવેલ વિશેષમાં મેયર ડો.પ્રદીપ ડવ જણાવેલ છે કે રેકડી રાખી ધંધો કરતા ધંધાર્થીઓની રોજી રોટી ચાલુ રહે તે માટે કોર્પોરેશન દ્વારા હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે.
આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગોના બદલે લોકોને મુશ્કેલી ન પડે તે રીતે રેકડી ઉભી રાખવી તેમજ ગંદકી ન થાય તેની ખાસ તકેદારી રાખી, ધંધો કરવા અપીલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મવડી રોડ પર ટ્રાફિકની સમસ્યા ન બને અને રેકડીઓ વાળા પોતાની રોજી-રોટી મેળવી શકે તે માટે પેવિંગ બ્લોક નાખવામાં આવેલ છે અને તેઓ વ્યવસ્થિત ઉભા રહી ધંધો કરી શકે તે માટેની ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.