ગુરૂજી ચીકી, ચાંદની ચીકી, રાજેશ ચીકીમાંથી નમૂના લેવાયા
અબતક, રાજકોટ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે 150 ફૂટ રીંગ રોડ પર અલગ-અલગ શાખાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ટેક્સ બ્રાન્ચ દ્વારા રૈયા ચોકમાં અંબિકા કોમર્શિયલ કોમ્પ્લેક્સની 285 મિલકતોને ડીમાન્ડ નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.1 અને 9માં અલગ-અલગ મિલકતધારકો પાસેથી 19.13 લાખની વસૂલાત કરવામાં આવી છે. વ્યવસાય વેરા માટે 268 આસામીઓને સુનાવણી નોટીસ બજવણી કરવામાં આવી છે.
આ કામગીરીમાં સાથે જોડાયલી ફૂડ શાખા દ્વારા 18 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રિપેડ શાક, પાઉંભાજી, ગ્રેવી, ભાત અને દાળ મળીને કુલ 18 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અને 6 પેઢીઓને ફૂડ લાયસન્સ અને હાઇજેનીંક ક્ધડીશન અંગે નોટીસ ફટકારવામાં આવી હતી. રૈયા ચોકડી પાસે ગુરૂજી ચીકી પાસેથી લૂઝ શિંગગોળની ચીકી, જીમ્મખાના મેઇન રોડ જાગનાથ પ્લોટ-8 કોર્નર પર આવેલી ચાંદની ચીકીમાંથી શિંગગોળની ચીકી જ્યારે કિશાનપરા ચોકમાંથી રાજેશ સ્વિટ માર્ટમાંથી રાજેશ શિંગ ચીકીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. દબાણ હટાવ શાખા દ્વારા 109 બોર્ડ-બેનરો અને ઝંડીઓ જપ્ત કરવામાં આવી હતી. સોલીડ વેસ્ટ શાખાએ જાહેરમાં કચરો ફેંકનાર અને ગંદકી કરનાર 13 આસામીઓ પાસેથી રૂા.4,150નો દંડ વસૂલ કર્યો હતો. ડસ્ટબીન ન રાખવા સબબ 5 આસામીઓ પાસેથી રૂા.1,250 અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સબબ 14 આસામીઓ પાસેથી રૂા.6,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.