કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે મધ દરિયે સંયુક્ત ઓપરેશન કર્યુ: 77 કિલો હેરોઇન સાથે પાકિસ્તાનની અલ હુસેની બોટને પકડવામાં મળી સફળતા
સૌરાષ્ટ્રનો સાગર કાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાને મોકળુ મેદાન
પાંચ વર્ષમાં 30 હજાર કરોડનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપવામાં તંત્રને સફળતા
સૌરાષ્ટ્રનો સાગર કાંઠો ડ્રગ્સ માફિયા માટે નસીલા પદાર્થની હેરાફેરી માટે સરળ માર્ગ બની રહેતા તંત્ર દ્વારા જુદી જુદી સુરક્ષા એજન્સીઓને સર્તક બનાવી દીધી છે. કચ્છના જખૌ દરિયા કિનારે ડ્રગ્સનું લેન્ડીગ કરવા આવેલી પાકિસ્તાન બોટને કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સયુંકત ઓપરેશન કરી ઝડપી લેવામાં સફળતા મળી છે. છ પાકિસ્તાની નાગરિક સાથેની ઝડપાયેલી અલ હુસેન નામની બોટમાંથી રૂા.400 કરોડની કિંમતનું 77 કિલો હેરોઇન મળી આવતા કોસ્ટ ગાર્ડ અને એટીએસનો સ્ટાફ ચોકી ઉઠયો હતો. ડ્રગ્સની ડીલીવરી કોને કરવા આવ્યા હતા અને ડ્રગ્સ કયાંથી કંઇ રીતે લાવવામાં આવ્યું તે અંગે વિશેષ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનના દરિયાઇ માર્ગે સૌથી નજીકનો વિસ્તાર ગણાતા જખૌ ખાતે શંકાસ્પદ બોટ આટાફેરા કરી રહ્યાની બાતમીના આધારે એટીએસની ટીમ દ્વારા કોસ્ટ ગાર્ડની મદદ લઇ મધ દરિયે ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની જુદી જુદી બોટ દ્વારા પાકિસ્તાની બોટને ઘેરી લઇ ઝડપી લીધી હતી. પાકિસ્તાનની અલ હુસેની બોટમાંથી રૂા.400 કરોડના 77 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવતા બોટમાં રહેલા છ પાકિસ્તાની ખલાસીની ઝડપી લીધા હતા.
અલ હુસેની બોટ લઇને આવેલા છ પાકિસ્તાની નાગરિકોને જખૌના દરિયામાં સ્થાનિક શખ્સો કોને મળી ડ્રગ્સની ડીલીવરી કરવા આવ્યા હતા. તેમજ પાકિસ્તાનથી ડ્રગ્સ સપ્લાયર કોણ છે તે અંગેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગત જાન્યુઆરીમાં 30 કિલો ડ્રગ્સ જખૌના દરિયા કિનારેથી મળી આવ્યું હતું. તેમજ જખૌના દરિયા કિનારે બીનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા.
જખૌ પાસેના દરિયા કિનારે કોસ્ટ ગાર્ડ દ્વારા પેટ્રોલિંગ હોય ત્યારે પાકિસ્તાની બોટ લઇને આવેલા ડ્રગ્સ કેરિયર દરિયામાં ડ્રગ્સના પેકેટ ફેકીં ભાગી જતા હોય છે. દરિયામાં ફેંકી દેવાયેલા ડ્રગ્સના પેકેટ સ્થાનિક શખ્સો દ્વારા મેળવી તેનો નિકાલ કરતા હોવાનું તપાસ કરતી એજન્સી દ્વારા બહાર આવ્યું છે.
ડ્રગ્સની હેરાફેરી અટકાવવા તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડ અને એએટીએસને સર્તક રહેવા કરાયેલી સુચનાના પગલે છેલ્લા પાંચમાં રૂા.30 હજાર કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા કુલ 1446 શખ્સોની ધરપકડ કરી કુલ 1007 કેસ કરવામાં આવ્યા છે.
જખૌ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓ દ્વારા પોરબંદરના દરિયા કિનારોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. 30-7-2017ના રોજ પોરબંદરના દરિયામાંથી રૂા.3500 કરોડની કિંમતનું 1500 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતુ. તેમજ 17 જુલાઇ 2021ના રોજ પોરબંદરના દરિયામાંથી રૂા.150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગત તા.15 સપ્ટેમ્બર 2021ના રોજ મુન્દ્ર પોર્ટ પરથી તેલકમ પાવડરની આડમાં લાવવામાં આવેલું 21 હજાર કરોડનું 3000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. મુન્દ્ર પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સની એટીએસની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે ચાર અફઘાની નાગરિકોની ધરપકડ કરી તપાસનો દોર દિલ્હી સુધી લંબાવ્યો છે.