દિલ્લી રમખાણમાં ઉશ્કેરણીજનક શબ્દોના ઉપયોગ બદલ અનેક નેતાઓ વિરુદ્ધ નોંધાશે ગુનો
અબતક, નવી દિલ્લી
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને દિલ્હી રમખાણોના કેસમાં નફરતભર્યા ભાષણ આપવા માટે રાજકારણીઓ વિરુદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી પર નિર્ણય લેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ત્રણ મહિનામાં FIR મુદ્દે નિર્ણય કરવાનો નિર્દેશ આપ્યો છે.
વાસ્તવમાં નફરત ફેલાવવાના કેસમાં નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું છે. અરજદારોએ ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અભય વર્મા વિરુદ્ધ FIR નોંધણી અને એસઆઈટી તપાસની માંગણી કરતી અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ મામલાનો નિકાલ કરવા હાઈકોર્ટને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રમખાણ પીડિતોની અરજી પર કહ્યું કે હાલમાં તે હાઈકોર્ટને વહેલી સુનાવણી માટે કહી શકે છે. જણાવી દઈએ કે ૨૦૨૦ના દિલ્હી રમખાણોના ત્રણ પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટ હેટ સ્પીચ કેસમાં તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી.
અરજદારોએ કહ્યું હતું કે તેઓએ રમખાણો ભડકાવવા માટે દ્વેષપૂર્ણ ભાષણ આપવા બદલ ભાજપના નેતાઓ સામે FIR નોંધવાની માંગ કરી છે. પરંતુ હાઈકોર્ટ તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તેઓ નેતાઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણના કેસમાં એફઆઈઆર પર વહેલી તકે નિર્ણય લે.