પાણીના નવા સ્ત્રોત ઉપરાંત વિતરણ વ્યવસ્થા, વોટર હાર્વેસ્ટીંગ, રિચાર્જ, જળસંગ્રહ સહિતની બાબતે ચર્ચા કરવા શિબિરના તજજ્ઞોને ભેગા કરાશે
અબતક, રાજકોટ
શહેરની વસ્તી અને વિસ્તાર સતત વધી રહી છે. જળસ્ત્રોતની સંખ્યા મર્યાદિત જ છે. શહેરની ભવિષ્યની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા અત્યારથી જ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. નવા જળસ્ત્રોત શોધવા માટે આગામી 9મીએ જાન્યુઆરીના રોજ રાજકોટ વોટર કોન્ફરન્સ યોજાશે. જેમાં પાણીને લગતા અલગ-અલગ વિષયો પર તજજ્ઞોની સલાહ-સૂચન લેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, વોટર વર્કસ કમિટીનાં ચેરમેન દેવાંગભાઈ માંકડ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે શહેર જે ઝડપી ગતિએ વિકાસ પામી રહ્યું છે અને વસ્તી અને વિસ્તારમાં વૃદ્ધિ થઇ રહી છે તેમજ રાજકોટની ભાગોળે આવેલ જુદાજુદા ગામોના નગરજનોને પણ વિકાસથી વંચિત ન રહે અને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળે તેવા હેતુથી મહાપાલિકાની હદમાં ભેળવવામાં આવેલ છે. રાજકોટ જીલ્લો અને ખાસ કરીને રાજકોટ શહેરનું ભૌગોલિક સ્થાન અને સ્થિતિ સૌરાષ્ટ્ર પ્રદેશમાં સમુદ્ર લેવલથી 147 મી. ઊંચા સ્થાને છે. આ પ્રકારના ભૌગોલિક સ્થાનને કારણે રાજકોટ શહેરને નિયમિત પાણી પુરવઠો આપી શકે તેવી બાર માસી નદી કે મોટા કુદરતી જલ સ્ત્રોત તળાવ વગેરે નથી. ઉપરાંત ભૂપૃષ્ઠ પણ હાર્ડ રોક (પથ્થર)નું હોવાના કારણે ભૂગર્ભ જલ પણ ખૂબ જ ઓછું અને ખાસ કરીને ઉનાળામાં પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ય બનતું નથી. આમ રાજકોટ શહેર વર્ષોથી પીવાના પાણી માટે વરસાદી પાણી અને તેના સંગ્રહ ઉપર તથા વિવિધ જળાશયો આજી-1, ન્યારી-1 અને ભાદર – 1 તથા નર્મદા યોજના પર નિર્ભર રહે છે. ગત વર્ષે આજી-1 અને ન્યારી-1 પણ સંપૂર્ણ ભરાઈ ગયા હોવા છતાં પણ આજી ડેમમાં બે વખત અને ન્યારી ડેમમાં એક વખત સૌની યોજનાનું પાણી ઠાલવવાની જરૂર પડી હતી.
હાલની રાજકોટ શહેરની વધતી જતી વસ્તી અને વિસ્તારોને ધ્યાનમાં રાખી તેમજ રાજકોટ શહેરના પીવાના પાણીના પ્રાણ પ્રશ્ન અનુસંધાને તેમજ આગામી વરસોમાં શહેરીજનોને પીવાનું પાણી દૈનિક મળી રહે તે માટે આગવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે, જેના માટે પાણીના હાલના તથા નવા સ્ત્રોત, હાલની તથા ભવિષ્યની પાણી વિતરણ વ્યવસ્થા, વોટર રીસાઈકલીંગ, વોટર હાર્વેસ્ટિંગ, રીચાર્જ, જળ સંગ્રહ વિગેરે બાબતોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત 9મી જાન્યુઆરીએ દેશના જુદા જુદા તજજ્ઞો સાથે કોન્ફરન્સ યોજાશે.
આ કોન્ફરન્સમાં બેંગ્લોર, રાજસ્થાન, અમદાવાદ, ગાંધીનગર, જી.ડબલ્યુ.એસ.એસ.બી. ભુજ, દ્વારકા, મોરબી અને રાજકોટ વિગેરે ખાતેથી આ વિષયના તજજ્ઞો ઉપસ્થિત રહી પોતાના અભ્યાસ અહેવાલો રજુ કરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાથે પરામર્શ કરશે અને આ માટેના સંભવિત આયોજનના વિકલ્પો પણ દર્શાવશે.
આ કોન્ફરન્સના અનુસંધાને રાજકોટ શહેરમાં રહેતા કોઈપણ નાગરિકે આ વિષયના તજજ્ઞો દ્વારા અભ્યાસ/રીસર્ચ કરેલ હોય તો તેઓ ચેરમેન વોટર વર્કસ કમિટીને [email protected]ઉપર મોકલી શકે છે અથવા 98244 07839 પર વોટ્સએપ કરી શકે છે.
આ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, આર્કિટેક્ટ એસોસિએશન વિગેરેના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
દૈનિક કુલ 350MLD પાણીનો ઉપાડ કરીને દૈનિક 325ML પાણી રાજકોટ શહેરના ત્રણેય ઝોનના કુલ 18 વોર્ડમાં વિતરણ કરવામાં આવે છે. મુખ્યત્વે 6 ફિલ્ટર પ્લાન્ટ છે. જે તમામની મળીને કુલ 300ML ફિલ્ટ્રેશન કેપેસીટી છે. તેમજ સ્ટોરેજ કેપેસીટી 315ML છે.
તેમજ જુન-2020 થી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના નોટીફીકેશન અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપર (મનહરપુર-1 સહિત) નો સમાવેશ કરવામાં આવેલ. જેના લીધે પાણીની ડિમાન્ડમાં થતા વધારાને પહોચી વળવા માટે માત્ર નર્મદા ઉપર આધાર રાખવો પડે છે.
હાલમાં વેસ્ટ ઝોનમાં નવા બે ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ છે. જેમાં વોર્ડ નંબર-1માં રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં નવો 50 એમ.એલ.ડી. ના ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ છે. તથા GETCO ચોકડી પાસે 50 એમ.એલ.ડી. ના ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ છે. જે પૂર્ણ થતા ફિલ્ટરેશન કેપેસીટીમાં 100ML નો તથા સ્ટોરેજમાં 50ML નો વધારો થવા પામશે.
સમગ્ર બાબત ધ્યાને લેતા 350 ML ઉપાડમાં 125ML નર્મદા પાઇપલાઇન આધારીત દૈનિક પાણીની જરૂરીયાત રહે છે. જે અનુશાર દૈનિક 30 ટકા પાણીના જથ્થા માટે નર્મદા પર આધાર રાખવામાં આવે છે. તદઉપરાંત આજી-1 ડેમ સંપૂર્ણ ભરાવા છતા અંદાજીત 500 MCFT જેટલો જથ્થો તેમજ ન્યારી-1 સંપૂર્ણ ભરાવા છતા અંદાજીત 150MCFT જેટલો જથ્થો સૌની યોજનામાંથી રાજકોટ શહેરમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ જાળવવા માટે ડેમમાં ઠાલવવામાં આવે છે.
સ્થાનિક જળાશયો, સૌની યોજનાના નર્મદાના પાણીની સાથોસાથ રાજકોટ શહેરને પાણીની બાબતમાં નવા સ્ત્રોત સાથે આત્મનિર્ભર બનાવવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. તેમાં સૌ તજજ્ઞો દ્વારા રાજકોટ શહેરની વોટર વોટર સપ્લાય સિસ્ટમ તેમજ જળાશયોનો સંપૂર્ણ અભ્યાસ કરી તેઓના
અમુલ્ય સુચનો સાથે સંપૂર્ણ પ્રોજેક્ટ રીપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે.