રાજકોટ જિલ્લામાં ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવાનો પ્રથમ કાર્યક્રમ યોજાયો
અબતક,રાજકોટ
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે 13 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેલા 10 નાગરિકોને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા .
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ 13 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ઘણા વર્ષથી રાજકોટમાં ભગવતી પરા અને અન્ય વિસ્તારમાં સ્થાયી થયા છે.
આ પ્રસંગે કલેકટરએ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનાર નાગરિકોને શુભકામના પાઠવી હતી. સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી નિયમાનુસારની તેમજ ઝડપી કાર્યવાહી બદલ આ પરિવારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનાર યુવાન અનિલભાઈ મહેશ્વરીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકતાનું મારૂં સપનું સાકાર થયું છે, તેનો આનંદ છે હું વાણિજ્ય અને એક્સપોર્ટની કામગીરી કરી રહ્યો છું. નાગરિકતા પ્રાપ્ત કરતા મને વધુ બળ મળશે. તેઓએ ગર્વ સાથે જણાવ્યું હતું કે ભારતની ઈકોનોમીને ઊંચી લઈ જવા અમે ભાગીદારી નોંધાવીશું અને વડાપ્રધાનનું ભારતને વધુ પ્રગતિ સાથે ઈકોનોમીને વધુ ઊંચી લઈ જવાનું સપનું મેક ઇન ઇન્ડિયાના નિર્ધાર સાથે સાકાર કરશું. અન્ય એક નાગરિક મોહનભાઈ તેજપાલ મહેશ્વરી નામના યુવાને પ્રતિભાવ આપ્યો હતો કે આજે નાગરિકતા પ્રાપ્ત થઈ તેની ખુબ ખુશી છે અને હવે અમે સમાજની મુખ્ય ધારામાં જોડાતા અમને લાભ પણ પ્રાપ્ત થશે, તેનો વિશેષ આનંદ છે.