નિર્મલામાં વિદ્યાર્થીની, નચીકેતામાં 1 વિદ્યાર્થી, એસએનકેમાં ટ્વીન્સ ભાઈ-બહેન અને ધૂલેશિયા સ્કૂલમાં 1 શિક્ષક સંક્રમિત
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં વિવિધ ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને એક સ્કૂલમાં શિક્ષક સંક્રમિત થયા છે. એમ વી. ધુલેશિયામાં એક શિક્ષક તો નિર્મલા, એસએનકે અને નચિકેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જોકે, નિર્મલાની વિદ્યાર્થીની સ્કૂલમાં નહીં આવી હોવાની ડીઈઓ સ્પષ્ટતા કરી છે. જો કે હવે કેસો જે રીતે વધી રહ્યા છે ત્યારે શું પ્રાથમિક શાળાઓને લાગશે તાળા?
રાજકોટની જાણીતી નચિકેતા સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી આરોગ્ય વિભાગ પણ સ્કૂલ ખાતે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથધરી છે. તેમજ સ્કૂલ દ્વારા 21 ડિસેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. સ્કૂલે વિદ્યાર્થીઓને 21 ડિસેમ્બર સુધી ઓનલાઇન અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત એમ.વી. ધુલેશિયા સ્કૂલમાં એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઇ છે. આ વિદ્યાર્થિની સ્કૂલમાં આવી નહીં હોવાની રાજકોટના DEO એ સ્પષ્ટતા કરી છે. આ સિવાય એસ.એન.કે. સ્કૂલમાં ટ્વીન્સ ભાઇ-બહેન કોરોનાથી સંક્રમિત થયા છે. આમા રાજકોટની 4 ખાનગી સ્કૂલોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.
SNK-ધૂલેશિયા સ્કૂલમાં અઠવાડિયાની રજા જાહેર કરાઈ
SNK સ્કૂલમાં ધો.10ના ટ્વીન્સ ભાઇ-બહેન કોરોના પોઝિટિવ આવ્યા છે. આથી સ્કૂલને એક અઠવાડિયું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અને સંપર્કમાં આવેલા તમામનો ટેસ્ટ આજે થઇ રહ્યો છે. તેમજ MV ધુલેશિયા સ્કૂલમાં એક શિક્ષકને ગઇકાલે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી સ્ટાફનું ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું છે તેમજ સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને ટેસ્ટ કરાવી એક અઠવાડિયું રજા જાહેર કરવા સૂચના આપી દેવામાં આવ્યું છે.
નચિકેતા સ્કૂલમાં 21મી ડીસેમ્બર સુધી ઓનલાઇન અભ્યાસ કરાવાશે
નચિકેતા સ્કૂલે એક યાદી જાહેર કરતા જણાવ્યું છે કે, હાલ લગ્નગાળાની સિઝન પૂર્ણ થતાં અમારી સંસ્થાના અમુક વિદ્યાર્થીઓમાં શરદી-ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. આથી અમે સંસ્થામાં ગેરહાજરીની નોંધ લીધી છે. તેમજ ધોરણ-5ના અંગ્રેજી માધ્યમના એક વિદ્યાર્થીનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. જેની વાલીએ જાણ કરતા સાવચેતીના ભાગરૂપે સંસ્થાએ સત્વરે ધોરણ-5, માધ્યમ-અંગ્રેજીના તમામ હાજર વિદ્યાર્થીઓ તથા તેમના સંપર્કમાં આવેલા વિદ્યાર્થી અને સમગ્ર સ્ટાફ મિત્રો સહિત 111નો રેપિડ ટેસ્ટ આજે કરાવ્યો છે. જે તમામ લોકો કોરોના નેગેટિવ જાહેર થયા છે. તેમ છતાં સાવચેતીના પગલારૂપે અમે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના તમામ વર્ગો 16 થી 21 સુધી ઓનલાઇન ચલાવવાનો નિર્ણય લીધો છે.
સોમવારથી ડીઈઓની ટિમ શાળોઓમાં મોનિટરિંગ કરશે
રાજકોટના ડીઈઓએ બી.એસ.કૈલાએ “અબતક” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે રીતે રાજકોટની સ્કૂલમાં કોરોનાના કેસ આજે બહાર આવ્યા છે ત્યારે હવે સોમવારથી જિલ્લા શિક્ષણાધિકારીની ટિમ આવી તમામ શાળાઓમાં મોનીટરીંગ હાથ ધરાશે. રાજકોટ શહેરની જ ચાર સ્કૂલો છે. જેમાં કોરોનાના કેસ હોવાની વિગત બહાર આવી છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની એક વિદ્યાર્થિની ઘરેથી ઓનલાઇન શિક્ષણ મેળવતી હતી તેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થિની સ્કૂલે આવી નહોતી એટલે તેનો કોઇ ઇસ્યુ નથી કે તે સ્કૂલમાં કોઇ સાથે સંપર્કમાં હોય.
આરોગ્યની ટિમ ખડેપગે, સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરાશે: ડો.લલિત વાજા
આરોગ્ય અધિકારી ડો.લલિત વાજાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી રાજકોટમાં 7 કેસ આવ્યા છે. ત્યારે બુધવારે અને ગુરુવારે બે-બે બાળકો પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 3 બાળકો ઓનલાઇન અભ્યાસ કરતા હતા. જે રીતે કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે તેને લઈ હવે રાજકોટની આરોગ્ય ટિમ સતત ખડેપગે છે અને તમામ સ્કૂલોમાં ચેકીંગ હાથ ધરાશે.
આઈએમએના સુચનોનું તમામ સ્કૂલોએ પાલન કરવું ખૂબ જરૂરી: ડી.વી.મહેતા
રાજકોટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસો.ના પ્રમુખ ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આજે જે રીતે રાજકોટની ચાર ખાનગી સ્કૂલમાં કોરોનાના કેસો આવ્યા છે તેને લઈને મારે તમામ ખાનગી સ્કુલને અપીલ છે કે, તાજેતરમાં આઈએમએ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને રાજ્ય સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સ્કૂલોનું સતત મોનીટરીંગ કરવામાં આવે અને જે સ્કૂલ નિયમોનું પાલન ના કરે તેને નોટિસ ફટકારવામાં આવે.