વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત માલવિયા ચોક થી મક્કમ ચોક સુધીના વિસ્તારમાં માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણોનું ડિમોલીશન કરી 13,476 ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવાઇ
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.7માં આવેલા ગોંડલ રોડ પર આવેલા માલવિયા ચોકથી મક્કમ ચોક સુધીના વિસ્તારમાં માર્જીન-પાર્કિંગમાં ખડકાયેલા 10 જેટલા દબાણો દૂર કરી 13,476 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે ગોંડલ રોડ પર માલવિયા ચોકથી મક્કમ ચોક સુધીના વિસ્તારમાં માર્જીન-પાર્કિંગની જગ્યા ખૂલ્લી કરાવવા માટે ટીપી શાખા દ્વારા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ક્લાસિક કાર ડેકોર દ્વારા પાર્કિંગમાં રોડને નડતરરૂપ ઓટો ખડકી દેવામાં આવ્યો હતો. જે દૂર કરવામાં આવ્યો હતો. સૂર્યકાંત હોટેલ, આશ્રય ઓટો, આકાંક્ષા કોમ્પ્લેક્સ, ધરતી હોન્ડા, મારૂતિ નેક્સા દ્વારા પાર્કિંગને નડતરરૂપ ઓટા, લોખંડની એંગલ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આર્થિક ભવન કોમ્પ્લેક્સ દ્વારા પાર્કિંગમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે બોમ્બે પેટ્રોલ પંપ દ્વારા એલઓપીમાં ઉભુ કરવામાં આવેલ સાઇન બોર્ડ દૂર કરવામાં આવ્યુ હતું. પાઇન વિન્ટા હોટેલ દ્વારા પાર્કિંગમાં નડતરરૂપ છાપરાનુ દબાણ કરવામાં આવ્યુ હતું જે હટાવી દેવામાં આવ્યું છે. જ્યારે રાઠોડ ચેમ્બરમાં ઓટા તથા લોખંડની રેલીંગ દૂર કરવામાં આવી હતી.
આજે ગોંડલ રોડ પર અલગ-અલગ 10 સ્થળોએથી માર્જીન-પાર્કિંગમાં ખડકાયેલા દબાણોનો સફાયો કરી 13,476 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.