હવે ભૂતકાળ બની રહી છે માત્ર 10 દિવસની અંદર જ બે બળાત્કારીઓને ઝડપી કાર્યવાહી કરી ફાંસી આપી કોર્ટે ઇતિહાસ રચ્યો
ખુદા કે ઘર દેર હૈ પણ અંધેર નહીં હૈ, સામાન્ય રીતે આવું વાક્ય ન્યાય મેળવવા માટે અહીંથી ત્યાં ભટકતાં લોકો બોલે છે પણ હવે આ વાક્યને કોર્ટે ખોટું સાબિત કરી દીધુ છે. કોર્ટોના ચક્કર કાપતા વર્ષો વિતી જશે. આવી આરોપીઓની વિચારધારાને પણ કોર્ટે ભૂતકાળ બનાવી દીધી છે. હવે તો ફટાફટ ચુકાદાઓ આપવાની કોર્ટે જે પહેલ હાથધરી છે તે ભવિષ્યમાં સમાજમાં શાંતિ સ્થાપવામાં મહત્વરૂપ બની રહેશે.
ન્યાયતંત્ર વિશે લોકો એવુ વિચારે છે કે વર્ષો સુધી ચક્કર કાપ્યા બાદ ન્યાય મળશે પણ કોર્ટે હવે ગંભીર ગુનાઓમાં ઝડપી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેથી આરોપીઓ ગંભીર ગુના આચરતાં પૂર્વે સો વખત વિચાર કરે, સુરતમાં છેલ્લા 10 દિવસમાં કોર્ટે બે ફાંસીની સજા ફટકારી છે. બંને કેસોમાં આરોપીઓએ બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી દીધી હતી. આ બંને આરોપીઓને સજાએ મોત ફરમાવી કોર્ટે દાખલો બેસાડ્યો છે કે આવા નરાધમોને સમાજમાંથી જ નહીં પણ દુનિયામાંથી અલવિદા કહી દેવું જોઇએ.
હાલ ન્યાયતંત્રએ ઝડપી કાર્યવાહી ગંભીર ગુનાઓમાં હાથધરી છે પણ હવે ધીમેધીમે આખું ન્યાયતંત્ર ઝડપી ન્યાય આપવા તરફ વળી રહ્યુ છે. આવનાર દિવસોમાં એક સભ્ય સમાજ સ્થાપવામાં ન્યાયતંત્રની આ ઝડપી કાર્યવાહી મહત્વનો ભાગ ભજવવાની છે. તે નક્કી છે. એટલે હવે દેશ તો બદલી રહ્યો છે સાથેસાથે ન્યાયતંત્રની કામગીરી પણ બદલી રહી છે. સમગ્ર વિશ્ર્વ જાણે છે કે માત્ર વિકાસથી કંઇ નથી થવાનું, સાચો વિકાસ તો એ છે કે સમાજને તમામ સુવિધાઓ મળે, પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને સૌથી મહત્વનું કે સમાજમાં શાંતિ અને સભ્યતા હોય. સરકાર વિકાસ માટે બાકી બધું તો કરી લેશે પણ શાંતિ અને સભ્યતા તો ન્યાયતંત્ર જ સ્થાપી શકશે.