કોરોના સહાયમાં રાજકોટ જિલ્લાની સરાહનીય કામગીરી
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં કોરોના સહાયની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 3100 જેટલા મૃતકોના પરિવારજનોને રૂ. 15 કરોડથી વધુની સહાયનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લો કોરોના સહાયની કામગીરીમાં રાજ્યભરમાં અવ્વલ રહ્યો છે. શરૂઆતમાં ઓફલાઇન કામગીરી વેળાએ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સ્ટાફે દિવસ રાત સ્ટાફે કામગીરી કરીને લાભાર્થીઓને ઝડપી સહાય અપાવી હતી. ત્યારબાદ ઓનલાઈન પોર્ટલ શરૂ થયા બાદ ડિઝાસ્ટર મામલતદાર ગોઠીની નિગરાની હેઠળ સમગ્ર કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે.
હાલ સુધીમાં જિલ્લામાં અંદાજે 4000 જેટલી અરજીઓ તંત્રને મળી છે. જેમાંથી 3100 જેટલી અરજીઓ મંજુર કરીને રૂ. 50-50 હજારનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં લાભાર્થીઓના ખાતામાં રૂ. 15 કરોડથી વધુની સહાયની રકમ જમા કરવામાં આવી છે.