એક કા ડબલની સ્કીમમાં બેન્કના ડે.ચીફ મેનેજર છેતરાતા ઉચાપત કરી તી : કુલ દસ ઝડપાયા
રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ નાગરીક બેંક બ્રાંચમાંથી રૂ.60 લાખની ઉચાપત પ્રકરણમાં માલવીયાનગર પોલીસે બેંકના ડે.ચીફ મેનેજર સહિત ત્રણની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચની ટીમેં એક કા ડબલ કરવાની સ્કીમ આપનાર ચાર શખ્સોની ધરપકડ કરી છે. અને તેની પાસેથી કુલ 7.71 લાખ મુદામાલ કબ્જે કરી વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળેલ ચોક્કસ બાતમીના આધારે માલિયાસણ નજીક વોચ ગોઠવી હકીકત બાતમી વાળી સફેદ કલરની ગ્રાન્ડ આઈ-10 કાર રોકતા તેમાંથી નાગરિક બેન્કના મેનેજર સાથે મળી ઉચાપત કરનાર આરોપી જનકકુમાર પટેલ , સાગર ઉર્ફે સુધીર જાની , રીંકેશકુમાર ગોસ્વામી અને વસંતકુમાર બકાલી પટેલ મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસને રૂપિયા 3.50 લાખ રોકડ મળી આવ્યા હતા. જયારે ફરાર અન્ય એક આરોપી ઇકબાલ બાબરીયાની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પૈકી જનક પટેલ અને સુધીર ઉર્ફે સાગર જાણી મુખ્ય સુત્રધાર છે. જનક અને સુધીર બંનેએ મળી એક ના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આરોપી ભવ્યેશ માંડાણી તથા રવિ જોષીને આપી આ પ્લાન નક્કી કરી આ પ્લાનમાં આરોપી જનક અને તેના મિત્ર સાહીર ખાન મલેકનો સમાવેશ કરી અને પ્લાન મુજબ રૂપિયા લેવા માટે સાહીરખાનને તૈયાર કર્યો હતો અને રવિ જોષી તથા ભવ્યેશ માંડાણી પાસેથી છેતરપીંડીથી રૂપિયા મેળવી કાવતરું ઘડયુ હતું
અમદાવાદ હાઇવે પર આવેલી બાલકૃષ્ણ હોટલ સામે આવ્યા બાદ સાહિલખાન ક્રેટા કાર લઇને આવેલ અને આરોપી રવિ જોષી અને ભવ્યેશ માંડાણી ક્રેડા કારમાં રૂ. 60 લાખ રોકડ ભરેલા થેલા સાથે કારમાં બેસી ગયા અને થેલો કારમાં રાખી દીધો હતો. ત્યારે સાહિલખાને કહેલ કે રોડની સામે રોંગ સાઇડમાં પડેલી એક કારમાં રૂ. 1.20 કરોડ પડેલ છે તે લઇ લેજો ! તેમ કહેતા રવિ જોષી અને ભવ્યેશને ધક્કો મારી કારમાંથી ઉતારી ભાગી ગયો હતો. બાદ સાહિલખાન પોતાના ગામ પાસે જઇ પોતાના ભાગ પેટેના રૂ. 11 લાખ કાઢી લીધા હતા અને બાકીના રૂપિયા 49 લાખ જનક અને સાગરને આપી દીધા હતા.હાલ પોલીસે ચાર શખ્સોને પકડી તેના રિમાન્ડ માટે તજવીજ હાથધરી છે.