વિદેશીઓની ગુલામીમાંથી ભારતને સાચા અર્થમાં આઝાદી અપાવી મુક્ત મહાન લોકશાહી બનાવનાર
દેશ માટે, કોંગ્રેસ માટે સંપૂર્ણ જીવન ખર્ચી નાખનાર સરદાર સાથે તેજોદ્વેષપૂર્ણ નફરત રાખી નહેરૂ-ગાંધી પરિવારે હંમેશા અન્યાય જ કર્યો; ત્યારે મોદીજીએ તેમની વિશ્ર્વ-વિરાટ અમર પ્રતિમા સ્થાપી યથોચિત સર્વોચ્ચ સન્માન કર્યું
ભારતના લોખંડી પુરૂષ, એકતા તેમજ અખંડિતતાના અનન્ય પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને મહાન લોકશાહી રાષ્ટ્ર ભારતના સર્વોત્તમ ભારત રત્ન સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની આજે પૂણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના રોજ મુંબઇ ખાતે તેમનું નિધન થયું હતું. જેમના લોહીના ટીપે ટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલ હતું એવા મહાન સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારને યથોચિત્ત સર્વોત્તમ સન્માન આપવાના સ્તુત્ય નમ્ર પ્રયત્નો કર્યા છે પરંતુ કોંગ્રેસને જીવંત રાખવા માટે પોતાનું સમગ્ર ખર્ચી નાખનાર સરદાર પટેલને ખુદ કોંગ્રેસ તેમજ નહેરૂ-ગાંધી પરિવારે હરહંમેશ અન્યાય જ કર્યો હોવાનું રાજુભાઈ ધ્રુવે સરદારને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું છે.
રાજુભાઈ ધ્રુવે આ તકે જણાવ્યું હતું કે, ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે તેમના ચરણોમાં કોટી કોટી વંદન સાથે દુ:ખની લાગણી સાથે કહેવું પડે છે કે, હરહંમેશ સરદારને અન્યાય કરનાર કોંગ્રેસ આજે પણ સરદારના નામે ગંદી રાજનીતિ કરવા મેદાને ઉતરી જાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભજનોના કરોડો કાર્યકર્તા જ્યારે મહાન સરદાર પટેલના રાષ્ટ્ર પ્રત્યેના પ્રદાનનો ઋણ સ્વીકાર કરી શ્રદ્ધાંજલિ આપે ત્યારે કોંગ્રેસ ને યાદ આવે છે કે સરદાર પટેલ કોંગ્રેસના નેતા હતા. હવે મોદીજીની પ્રેરણા થી ભાજપ સરકાર દ્વારા સરદાર પટેલની અમર યાદગીરી સમાન વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા બન્યા બાદ દેશ ના લોકો ને તેમની મહાનતા ની ખબર પડયા બાદ ના કોંગ્રેસ મને છે કે સરદાર કોંગ્રેસ ની અંગત અસ્કયામત છે પરંતુ, વાસ્તવિકતા એ છે કે, સરદાર કોઈ પક્ષના નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્ર અને વિશ્ર્વની ધરોહર સમાન છે. આ મહાન પુરૂષના વિચારોએ સમસ્ત જગતને સાચી રાજકીય દિશા, લોકાભિમુખ ચિંતન અને માર્ગદર્શન આપ્યા છે.
આજે સરદાર પટેલની પૂણ્યતિથિ છે ત્યારે અમો ગર્વથી કહી શકીએ છીએ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સરદારને યથોચિત્ત સાચું મહત્વ આપી દેશની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી છે. આજે પણ સરદાર સાથે થયેલા અન્યાય અને અપમાનની વાતો સાંભળતા કે વાંચતાં દેશભક્ત લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઇ ત્યારે પહેલો એવોર્ડ 1954માં નહેરૂની સરકારે રાજગોપાલાચારીજી અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપ્યો. ત્યારબાદ તુરંત જ 1955માં જવાહરલાલ નહેરુએ દલા તરવાડીની માફક જાતે જ ભારતરત્ન એવોર્ડ લઇ લીધો હતો અને સરદારને યાદ પણ કર્યા ન હતા. સરદાર પટેલ માટેના દ્વેષનો આ વારસો નહેરૂ પછીની પેઢીએ ત્યારબાદ પણ જાળવી રાખ્યો.
સરદાર પટેલના અવસાન પછી 41 વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પ્રશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને 1991 પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં સરદાર પટેલનું દેશ માટેનું યોગદાન શું ઓછું હતું? સરદારની આટલી હદની અવગણના આપણા દેશની કોંગ્રેસી સરકારોએ શા માટે અને કયા કારણથી કરી એવો પ્રશ્ન હવે દેશની નવી પેઢી પણ પૂછી રહી છે.
દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ ક્યારનો યે આવી ગયો હોત.આઝાદી ના 75 વર્ષ પછી પણ લોકો યાદ કરે છે કે ભારત રાષ્ટ્ર અને લોકશાહીના નિર્માણમાં સરદાર પટેલનું કેટલું મહાન યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતના રહ્યા હતા માટે તેમને વારંવાર પ.નહેરુ સાથે વૈચારિક સંઘર્ષો પણ થતા રહ્યા હતા.
સરદાર કોંગ્રેસ પાર્ટીનું આખું સંગઠન ચલાવતા હતા. સરદાર વાસ્તવિકતાની સાથે પનારો પાડતા હતા અને જમીન સાથે જોડાયેલા હતા. જ્યારે પ. નહેરુ સમાજવાદની કલ્પનામાં રાચી દુનિયામાં કહેવાતા ગૂટ નિરપેક્ષ, તટસ્થ દેશોનો એક જુદો વૈશ્વિક ચોકો સ્થાપી ખુદ પોતાને તેના નેતાપદે આરૂઢ થવાના તરંગોમાં રાચતા હતા. દેશને પ.નહેરુના અવિચારી ભૂલ ભરેલા નિર્ણયોને કારણે ભારતને ઘણું નુકશાન થયું છે. પરંતુ સમગ્ર વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વવાળી ભાજપ સરકારે દેશની આ નુકશાનીની ખોટ પૂરી કરીને સરદારને ઉચિત સન્માન મળે તે માટે સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ઊભી કરીને દેશવાસીઓ વતી સરદારને સાચી શ્રધ્ધાંજલી પાઠવી છે. તેમ અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.