વોર્ડ નં.6ના કોર્પોરેટર અને માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવની ગેરહાજરીમાં તેમનાં પતિ મનસુખભાઈ જાદવે બે વ્યક્તિઓના ફોર્મમાં સહી કરી દેતા અરજદારો પણ આશ્ર્ચર્યચકિત
અબતક, રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય સરકાર દ્વારા 50 ટકા મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર ગળા ફાડી ફાડીને મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે. પણ વાસ્તવમાં સત્તામાં મહિલાઓની કોઈ જ ભૂમિકા ન હોય અને તમામ વહીવટ તેઓનાં પતિદેવ જ કરતાં હોય તેવું લાગી રહ્યું છે.સામાન્ય રીતે મંત્રીથી લઈ ગ્રામ પંચાયતનાં સભ્યની સહી જ્યાં ચાલતી હોય ત્યાં હોદ્દાનીરૂયે તેઓએ જ સહી કરવાની હોય છે પરંતુ સત્તાનું કેન્દ્રબિંદુ મહિલાઓને બદલે તેમના પતિદેવ બની રહેતાં હોય છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આધારકાર્ડમાં સુધારા વધારા માટે આવેલા બે અરજદારોને ફોર્મમાં કોર્પોરેટરની સહી કરવાની આવશ્યકતા ઉભી થઈ ત્યારે વોર્ડ નં.6ના ભાજપનાં કોર્પોરેટર અને માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવના પતિદેવ મનસુખભાઈ જાદવએ તમામ નિયમો નેવે મુકી ફોર્મમાં પોતાની પત્નીની સહી કરી આપતાં ખુદ અરજદારો પણ આશ્ર્ચયચક્તિ થઈ ગયા હતાં. મોટાભાગના વોર્ડમાં મહિલા નગરસેવિકાઓની સહી અને સિક્કા તેમના પતિ કે પરિવારના અન્ય સભ્યો જ કરતાં હોવાનો ગણગાણટ આ કોર્પોરેશનની લોબીમાં ચાલી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકામાં રોજ સેંકડો લોકો આધાર કાર્ડમાં સુધારા વધારા માટે આવતાં હોય છે. તેઓએ ફોર્મ ભર્યા બાદ નગરસેવકની સહી કરાવી પડતી હોય છે આ માટે ભાજપ કાર્યાલયમાં સતત હાજર રહેતાં શાસકપક્ષના નેતા વિનુભાઈ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા દિવસ દરમ્યાન સહી કરી આપતાં હોય છે. પરંતુ આજે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યુ હતું જેમાં મનોજભાઈ સુરેશભાઈ સોલંકી નામના વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિ પોતાનું આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટેનું ફોર્મ લઈ માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવની ચેમ્બરમાં આવ્યા હતાં અહિં કોર્પોરેટર દેવુબેન હાજર ન હોવા છતાં અરજદારોના ફોર્મમાં દેવુબેન જાદવના પતિદેવ મનસુખભાઈ જાદવે ડી.એમ.જાદવના નામની સહી કરી સિક્કો પણ મારી દીધો હતો. આટલું જ નહીં અરજદારોને કયાંય અટકે તો પોતાને ફોન કરવાની પણ તાકીદ કરી હતી. સામાન્ય રીતે આ ઘટના સંપૂર્ણપણે નિયમ વિરૂધ્ધ હોવા છતાં ‘હોતા હૈ ચલતા હૈ’ જેમ ચલાવી લેવામાં આવે છે. તમામ 18 વોર્ડમાં આધારકાર્ડમાં સુધારા વધારા માટે કોઈપણ વોર્ડના નગરસેવકની સહી ચાલે છે ત્યારે ખુદ શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા ભાજપ કાર્યાલયમાં હોવા છતાં મનસુખભાઈ જાદવે અરજદારને એ પૂછવાની પણ તસ્દી લીધી ન હતી કે કાર્યાલયમાં નેતા, દંડ કે અન્ય નગરસેવક હાજર હોય તો તેઓની સહી કરાવી લો. નિયમ મુજબ મારી સહી ચાલે નહીં. અરજદાર જેવા ફોર્મ લઈને આવ્યા કે તેઓને તરત જ સહર્ષ વધાવી લીધા અને પોતાની પત્નીના નામે સહી કરી ખુલ્લેઆમ નિયમનો ભંગ કર્યો.
શહેરના તમામ 18 વોર્ડમાં 72 બેઠકો પૈકી 36 બેઠકો પર મહિલાઓ ચુંટાઈને કોર્પોરેટર બની છે. પરંતુ તેઓના નામે સહી સિક્કા સહિતની સત્તા જાણે તેમનાં પતિદેવને પ્રાપ્ત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને મોટાભાગના ફોર્મમાં પતિદેવ જ સહી કરી નાખે છે.
કોર્પોરેટરના પરિવારજનો કોઈ ફોર્મમાં સહી કરી શકે નહીં: કમલેશ મિરાણી
આજે જ તમામ મહિલા કોર્પોરેટરના પરિવારજનોને સુચના આપી દેવાશે: શહેર ભાજપ પ્રમુખ
વોર્ડ નં.6ના ભાજપના કોર્પોરેટર અને માર્કેટ સમિતિના ચેરમેન દેવુબેન જાદવનાં નામે તેમના પતિદેવ મનસુખભાઈ જાદવે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવા માટેના ફોર્મમાં સહી કરી આપી હોવાની ઘટના જ્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના ધ્યાન પર મુકવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય કે કોર્પોરેટરોની સહી જે જગ્યાએ ચાલતી હોય તેઓએ જ સહી સિક્કા કરવાના રહે છે. પતિ નહીં પરંતુ પરિવારના કોઈપણ સભ્ય કોર્પોરેટર તરીકે સહી કરી શકતા નથી. આટલું જ નહીં આધારકાર્ડમાં સુધારા વધારા સહિતના એક પણ ફોર્મમાં હું શહેર ભાજપ પ્રમુખ હોવા છતાં સહી કરીશું તેવો મને અધિકાર નથી. આ ઘટના ખૂબ ગંભીર છે. આજે જ તમામ મહિલા કોર્પોરેટરના પરિવારજનોને સુચના આપી દેવામાં આવશે કે કોઈ સરકારી ફોર્મમાં તેઓ સહી સિક્કા ન કરે.
મહિલા કોર્પોરેટરની સહી પતિદેવ કયારેય કરી શકે નહીં: શાસક નેતા
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડમાં સુધારા વધારા સહિતના કોઈપણ ફોર્મમાં મહિલા કોર્પોરેટરના નામે તેમના પતિદેવ કયારેય સહી સિક્કા કરી શકે નહીં. કોઈપણ વોર્ડમાં વસવાટ કરતાં કોઈપણ નાગરિકને આધારકાર્ડમાં સુધારો વધારો કરવો હોય તો 72 પૈકી કોઈપણ નગરસેવકની સહી કરાવી શકે છે. પરંતુ કોર્પોરેટરની ગેરહાજરીમાં તેઓનાં પતિદેવ સહી કરે તે નિયમનો ભંગ ગણાય. ભાજપનાં તમામ મહિલા કોર્પોરેટરોના પતિદેવ અને પરિવારજનોને કોઈપણ સરકારી ફોર્મમાં સહી ન કરી આપવા આજે જ તાકીદ કરી દેવામાં આવશે.