રાજકોટથી બરોડા પુત્રીને મળવા જતાં દંપત્તીના અંતરિયાળ મોતથી પટેલ પરિવારમાં અરેરાટી
રાજકોટ-અમદાવાદ હાઇવે પર લીંબડી નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજકોટના પટેલ દંપત્તી સહિત ત્રણના મોત નીપજ્યા હતા. વડોદરા હોસ્ટેલમાં રહેતી પુત્રીને મળવા જતા પરિવારની કારને અકસ્માત નડતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલી જલારામ રહેતા ભાવિનકુમાર કાંતીલાલ ઘેટીયા તેમના પત્ની કાજલબેન, વૈશાલીબેન સંજયભાઇ પલસાણી અને તેમની ૧૧ વર્ષની પુત્રી ચાંદની રાજકોટથી જી.જે.૧૧એસ. ૪૨૯૯ નંબરની સ્વીફટકારમાં વડોદરા જઇ રહ્યા હતા.
કાર લીંબડી નજીક બોડીયા ગામના પાટીયા પાસે પહોચી ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઇડર કુદી રોંગ સાઇડમાં પહોચી સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભાવિનકુમાર અને તેમના પત્ની કાજલબેનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અને માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં એકનું મોત નીપજ્યું હતુ.
રાજકોટના ભાવિનકુમાર ઘેટીયાની પુત્રી વડોદરા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હોવાથી તેમને મળવા માટે જઇ રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાતા પટેલ પરિવારમાં ગમગમીની સાથે શોક છવાઇ ગયો હતો.
મૃતક ભાવિનકુમારના માતા-પિતા વિદેશમાં સ્થાયી થયા છે અને ભાવિનકુમાર પણ ટૂંક સમયમાં જ ફોરેન સ્થાયી થવાના હોવાથી પુત્રીને અભ્યાસ માટે વડોદરા હોસ્ટેલમાં રહેવાની સગવડ કરી હતી. પટેલ દંપત્તી વિદેશ પહોચે તે પહેલાં પરલોક પહોચી જતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. પટેલ દંપત્તીની એકની એક પુત્રીએ એક સાથે જ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા કરૂણાંતિકા સર્જાય છે.