વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે અને એ દિવસને ગુજરાત ભાજપ સેવા દિવસ તરીકે ઉજવશે અને સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સમગ્ર દેશમાં સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ગુજરાત ભાજપ દ્વારા પણ વડાપ્રધાનના જન્મદિવસે ગુજરાતના સંસદસભ્યો, વિધાનસભ્યો સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના આગેવાનો દ્વારા ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ ગુજરાત દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્ર સાથે હોસ્પિટલો, મહાપુરૂષોની પ્રતિમાઓ, બસ સ્ટેન્ડસ, સ્કૂલો – કોલેજો, તળાવ – બગીચાઓ વગેરે સ્થળો બીજી ઓકટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે અને જુદી-જુદી સંસ્થાઓ આ ઝુંબેશમાં જોડાશે.