નપાવટ દીકરાએ 85 વર્ષીય વૃદ્ધ પિતાને ઘરમાંથી ધક્કો મારીને

કાઢી મૂક્યા હતા: 7 વર્ષે કેસ જીતી વૃદ્ધે ઘર પરત મેળવ્યું

અબતક, અમદાવાદ

શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા 85 વર્ષના સુબ્રમણિ વલ્લુવરના ચહેરા પર આજે એક ગજબનું સ્મિત જોવા મળી રહ્યું છે. જીવનના તમામ રંગો જોઈ ચૂકેલા અને પોતાના જ દીકરાના હાથે તરછોડાયેલા સુબ્રમણિ વલ્લુવરને શહેરની સિવિલ કોર્ટના આદેશ બાદ તેમનું પોતાનું ઘર પરત મળશે. કોર્ટે ખોખરા પોલીસને આદેશ કરતા કહ્યું છે કે તેમને પોતાના ઘરનું પઝેશન મળી જાય તે મુજબની કાર્યવાહી કરવામાં આવે. કરચલી પડી ગયેલા ચહેરા પર એક સ્મિત સાથે વલ્લુવરે કહ્યું કે આખરે 7 વર્ષ પછી હું મારા ઘરે પરત જઈશ જ્યાંથી મને ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યો હતો.

મૂળ તમિલનાડુના વતની અને અમદાવાદની કેલિકો મિલ્સમાં ટેક્નિશિયન તરીકે કામ કરવા માટે આવ્યા હતા અને અહીં જ વસી ગયા હતા. જોકે થોડા વર્ષો પચી તેમને આફ્રિકાની પેટ્રોલિયમ કંપનીમાં નોકરીની તક મળતા તેઓ આફ્રિકા ચાલ્યા ગયા હતા અને ત્યાંથી તેમણે બચત કરીને અમદાવાદમાં જ ઘર લીધું એટલું નહીં પોતાના દીકરાને પણ ભણાવી ગણાવી મોટો કર્યો અને તેના લગ્ન પણ કરાવ્યા. જોકે આ દીકરાએ જ પત્ની સાથે મળીને વૃદ્ધને ઘરબાર વગરના કરી નાખ્યા હતા.

વલ્લુવરના શબ્દોમાં તેમની વ્યથા જાણીએ તો, મારી પત્નીનું 2013 માં અવસાન થયું ત્યારથી મારી મુશ્કેલીઓ શરૂ થઈ. હું એક રૂમમાં મારો બધો સામાન રાખતો હતો જ્યારે અન્ય બે રૂમ મારો પુત્ર અને તેની પત્ની દ્વારા ઉપયોગમાં લેવાતા હતા. પરંતુ તેઓ મને ઘરમાં રાખવા માંગતા ન હતા. જ્યારે મેં વિરોધ કર્યો, ત્યારે તેઓએ મારી પુત્રવધૂના સગા દ્વારા પણ મને ધમકાવવા માટે પ્રયાસ કર્યા હતા. તેમણે આગળ કહ્યું કે, મને માનસિક અને શારીરિક સતામણી કરવામાં આવશે. તેમ કહીને પુત્રવધુના સગાએ ધમકાવ્યો હતો. જોકે હું હાર્યો નહીં, ત્યારે મને મારા ઘરમાંથી જ બહાર ફેંકી દેવામાં આવ્યો.

જે બાદ તેમણે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આશરો લીધો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સુકેતુ નાગરવાડિયાએ જણાવ્યું હતું કે સુબ્રમણિને માનસિક અને શારીરિક બંનેમાં પ્રકારે મદદ અને હૂંફની જરૂર હતી. આ ઉંમરે પણ, તેઓ સત્યા અને સાચી વાત માટે લડવા મક્કમ હતા. જ્યારે તેમનો પુત્ર કોર્ટમાં હાજર ન થતો પણ, સુબ્રમણિ ખંતપૂર્વક સુનાવણીમાં જતા હતા, જોકે કોર્ટમાં પણ તેઓ પોતાની પુત્રવધૂ દ્વારા ઉત્પીડનના દાવાઓને નકારી કાઢતા હતા. જે તેમનો પ્રેમ હતો અને ક્યારેય આશા ગુમાવતા નહી.”

તેમને ઘર પાછું તો વહેલું મળી જાત જ્યારે ફેબ્રુઆરી 2020માં જ તેમના કેસની સુનાવણી પૂરી થઈ હતી અને ઓથોરિટીને ઘર પરત અપાવવા માટે કોર્ટે આદેશ પણ કર્યો હતો, પરંતુ મહામારીને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો. સુબ્રમણિ પાછા ફર્યા પછી શું કરશે? એ પૂછતા જ તેમણે કહ્યું કે પહેલા તો હું ત્યાં થોડો સમય વિતાવીશ અને ફરીથી જીવનને જીવવાનો પ્રયાસ કરીશ. જે પછી વિચારીશ કે હવે આ દુનિયામાં પોતાને કેવી રીતે આગળ લઈ જવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.