અમરેલી ખાતે પ્રભારી મંત્રી આર.સી. મકવાણા અને ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં રૂા.1030.85 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરાયુ
અબતક, ભરત ગોંડલીયા
અમરેલી
અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં અને એનસીયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તેમજ સાંસદ નારણભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ રૂ. 1030.85 લાખના જુદા જુદા વિસ્તારમાં 310 લોકેશન પર સીસી ટ્રીમિક્સ અને પેવિંગ બ્લોક રોડના પ્રતિક ખાતમુહૂર્ત માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રભારી મંત્રી આર. સી. મકવાણાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે વર્ષો પહેલા એવો જમાનો હતો કે ઓક્ટ્રોય અને અન્ય આવક મેળવી નગરપાલિકા પોતાના કર્મીઓના પગાર કરતી હતી પરંતુ આજે એ જમાનો છે કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર તરફથી જે તે નગરપાલિકાને વિકાસ કાર્યો કરવા માટે ગ્રાન્ટનો ધોધ વહે છે. રાજ્ય સરકારના જે લોકપ્રતિનિધિઓ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરે છે એ જ લોકપ્રતિનિધિઓ લોકાર્પણ કરે છે.
ગ્રામ્ય સ્તરે આવેલા બદલાવના સંદર્ભમાં વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે આજે શહેરની સરખામણીએ ગ્રામીણ જીવન ઘણું ઊંચું આવ્યું છે. મહાનગરોમાં જે કંઈ પણ સુખ સુવિધાઓ લોકોને મળે છે આજે એવી જ સુવિધાઓ નાનામાં નાના ગામના રહેવાસીને મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ નેતૃત્વમાં આ બધું જ શક્ય બન્યું છે.
ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સરકાર શહેરથી લઈને નાનામાં નાના ગામડા સુધી વિકાસનો ઉજાસ પાથરી રહી છે. છેલ્લા પાંચ વર્ષોમાં શહેરી વિકાસના કામોમાં ઉતરોતર વધારો જ થયો છે. ચેરમેનએ હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો સમય મર્યાદામાં સારી ગુણવત્તાવાળા બને એ દિશામાં ચકાસણી કરવા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી.