કચ્છમાં પ્રથમ ડોઝમાં 90% તેમજ બીજા ડોઝમાં 86% રસીકરણ થયું
અબતક
વારિશ પટ્ટણી, ભૂજ
કચ્છ પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ સમિક્ષા બેઠક
કચ્છ પ્રભારી સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છમાં થયેલ રસીકરણ અંગેની કામગીરી તેમજ કોરોનાની ત્રીજી લહેર સંદર્ભે પુર્વતૈયારી અંગેની સમીક્ષા બેઠક કલેકટર-કચેરી ખાતે યોજાઇ હતી.
સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ સંભવિત કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે ત્યારે તેની પુર્વ તૈયારીના ભાગરૂપે કચ્છ આરોગ્ય તંત્ર દ્વારા શું-શું તકેદારી લેવામાં આવી રહી છે તેમજ કોરોના સામે રામબાણ તરીકે રસીને અગ્રતા આપવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝની સંખ્યા વગેરે વિશે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા.
આ ઉપરાંત હર્ષદ પટેલે ઓમિક્રોન તેમજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરેને ધ્યાનમાં રાખી રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું તેમજ ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોમાં સર્વે કરી બીજો ડોઝ બાકી હોવાના કારણો જાણી ગામ તેમજ વોર્ડ મુજબ ટાર્ગેટ કરી ફોલોઅપ લેવા સુચના આપી હતી.
કલેકટર પ્રવિણા ડી.કે.એ પણ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના તેમજ રસીકરણ સંદર્ભે લેવાયેલા પગલા વિશે છણાવટ કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે આ વિશે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, કચ્છમાં પ્રથમ ડોઝની 90% જેટલી કામગીરી પુર્ણ થયેલી છે જ્યારે તેની સામે બીજા ડોઝ માટે એલિજીબલ લોકોમાંથી 86% લોકોને બીજો ડોઝ અપાઇ ચુકયો છે જ્યારે બાકીના 14%ના લક્ષ્યાંકને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરાઇ રહ્યા છે.
આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર કે ઓમિક્રોન અંગે પુર્વ તૈયારીની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ છે નિયમિત 3600 આર.ટી.પી.સી.આર ટેસ્ટ, 51 એમ.ટી. ઓક્સિજન ઉત્પાદન, 410 આઇ.સી.યુ. બેડ, 2424 ઓક્સિજન બેડ તેમજ પુરતા સ્ટાફ સાથેની તૈયારીઓ સાથે કચ્છ કોરોનાને ટક્કર આપવા સક્ષમ છે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત હર્ષદ પટેલે જિલ્લાનાવિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટર હનુમંતસિંહ જાડેજા તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.