અબતક-રાજકોટ
એ કાપ્યો છે… પતંગ અને દોરાની મોસમ એટલે ‘ખીહર’ મકરસંક્રાંતિ પર્વને એક માસથી વધુની વાર છે. તે પૂર્વે જુદી જુદી પ્રકારના દોરા બનાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે.
રાજકોટમાં પરપ્રાંતમાંથી પણ પતંગ-દોરાનો વેપાર કરવા આવવાવાળાની સંખ્યા મોટી છે. પરંતુ ગત વર્ષે કોરોના કાળના હિસાબે તેમાં ઓટ આવી હતી. પરંતુ આ વર્ષે પતંગના દોરા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
જો કે રાજકોટ શહેરમાં અસંખ્ય સ્થળોએ દોરા બનાવવાનું કામ ચાલે છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલા સદર બજારમાં દોરાને કાચ પાઈ ફીરકીમાં ગોઠવવામાં આવે છે. શદર બજારમાં દોરા પાવાનું કામ કરી રહેલા ગુડુભાઈએ ‘અબતક’ને દોરા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, દોરા બનાવવા, તેને કાચ પાવો તેની ગોઠવણ કરવી વગેરે સામાન્ય રીતે જોઈએ તો સહેલું લાગે પરંતુ આ કામ જેટલું સહેલું લાગે છે તેટલું ખરેખર નથી. ધારદાર દોરાથી હાથમાં કાપા પડવાની સંભાવના પણ રહેલી છે.
દોરાની જો વાત કરીએ તો 6 તાર, 8 તાર, 10 તાર, 12 તાર અને જુદા જુદા દોરો જુદી જુદી રીતે ક્રમમાં ભેગા કરી એક દોરો બને અને તેને કાચ પાવાની વીધક્ષ પણ એટલી જ અઘરી છે. કાચ પાવા માટેની જુદી જુદી સામગ્રીઓ પણ નાખવામાં આવે છે. જેમાં કાચનો ભૂકો, ગુંદ, સરસ, લોટ વગેરે જેવી સામગ્રીઓ દ્વારા જુદી-જુદી પ્રકારના દોરા બને છે. જેમાં બાળકો માટે પણ ખાસ પ્રકારના દોરા બનાવવામાં આવે છે કે જેમાં કાચ નહીં પરંતુ માત્ર કલરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી બાળકોને હાથમાં ચીરા ન પડે.
દોરા બનાવવા માટે વેપારીઓ દ્વારા દોરા બનાવનારને 1000 વારના રૂા.40 થી રૂા.100ની મજૂરી ચૂકવવામાં આવે છે. મોટાભાગે આ દોરામાં કાચ પાવાવાળા બહારથી આવી અને રોજી મેળવે છે. રાજકોટ શહેરમાં દોરા-પતંગ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.