વૈદિક કાળથી જ પૃથ્વી પરની તમામ સંસ્કૃતિઓમાં ચિકિત્સા પધ્ધતીનો વિકાસ જોવા મળે છે: ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યને ઇશ્ર્વરનું શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે
‘રેકી’ એ પ્રાણશક્તિ છે, જે અમાપ અને અસીમ છે તેની કોઇ મર્યાદા નથી: તે તપ, સાધના, યોગ કે મંત્ર-તંત્ર નથી
રેકીએ પૂર્ણરૂપથી શુધ્ધ એવી વૈશ્ર્વિકશક્તિ અને ચેતના છે: રેકી એક લાભકારી અને હકારાત્મક શક્તિ છે
વૈદિકકાળથી જ જગતની તમામ સંસ્કૃતિઓમાં ચિકિત્સા પ્રણાલીનો વિકાસ થયો તે પહેલાથી જ માનવીએ ઇશ્ર્વરના સાયુજયમાં તન અને મનને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવાની વિવિધ પધ્ધતિઓ વિકસાવી હતી. જે તમામનો પાયાનો સિધ્ધાંત વૈશ્ર્વિકશક્તિ સાથે અનુસંધાન સાધી તેના દ્વારા આરોગ્યપ્રદ જીવન જીવવાનો હતો. ભારતીય સંસ્કૃતિમાં મનુષ્યને ઇશ્ર્વરનું શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે અને એથી જ તેમાં અનેક શક્તિઓનો અખૂટ ભંડાર છે. ઇશ્ર્વર દત્ત આ શક્તિઓનો પૂર્ણ કક્ષાએ વિકાસ કરી તેના દ્વારા જીવનમાં અંતિમલક્ષ્યને પામવાના પ્રયાસો થયાં છે.
રેકી પણ આવી જ કુદરતી સારવાર પધ્ધતિ છે. જેમાં કોઇ જ બાહ્ય સાધન, દવાઓ કે અન્ય વસ્તુઓ આશ્રય લેવામાં આવતો નથી. પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી વૈશ્ર્વિક ઉર્જાને ઉપયોગમાં લેતું વિજ્ઞાન છે.
જાપાનની ભાષામાં ‘રે’ એટલે બ્રહ્માંડ અને ‘કી’ એટલે શક્તિ અર્થાત્ વૈશ્ર્વિક શક્તિ અથવા ચેતના. જે આપણે જોઇ શકતા નથી પરંતુ જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સંચાલન થાય છે. આથી જ વેદમાં કહ્યું છે “યથા બ્રહ્માંડે તથા પીડે” જે જે વસ્તુ બ્રહ્માંડમાં છે તે તમામ પીંડ અર્થાત્ શરીરમાં છે.
જ્યારે કોઇપણ રીતે આ શક્તિના પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન થાય છે. ત્યારે માનવીય શરીરમાં તે રોગરૂપે પ્રગટ થાય છે. આ રોગ શારીરીક કે માનસિક પણ હોઇ શકે છે. આવી બિમારી કે અસ્વસ્થતાને રેકી વડે ઉર્જા આપી પ્રવાહને સંતુલિત કરતા રોગ કે બીમારીના કારણરૂપ અવરોધ દૂર થાય છે અને વ્યક્તિ પુન:સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે અને તંદુરસ્તી મેળવે છે.
રેકીનું પધ્ધતિસરનું શિક્ષણ બ્રહ્માંડની આ ઉર્જા શક્તિનો કેવી રીતે અને કેટલો અથવા ક્યાં ઉપયોગ કરવો તેનું પધ્ધતિસરનું વિજ્ઞાન સમજાવે છે. જેના દ્વારા તમો તમારી કે અન્ય રોગીની જરૂરીયાત મુજબ રેકી મેળવી કે આપી શકો છો. આ કાર્ય ખૂબ જ સહજ અને સરળ છે. જેના માટે કોઇ વિશિષ્ટ જ્ઞાન કે ઉચ્ચ કૌશલ્યની જરૂર નથી. જેની પ્રારંભિક સોપાને ક્યાંય મુંઝાવાની જરૂર નથી.
બ્રહ્માંડની આ વૈશ્ર્વિક ચેતના અથવા શક્તિ અમાપ અને ચિરંજીવ છે. જે અનંતકાળ સુધી ચાલ્યા કરવાની છે જેનો પ્રવાહ ક્યારેય ક્ષીણ થતો નથી આવી આ શક્તિને તમો હવે ઉપયોગમાં લઇ શકવા સક્ષમ બનશો.
રેકી શું છે તે આપણે જોયું. તેની સંકલ્પના વધુ સ્પષ્ટ કરવા માટે રેકી શું નથી તે પણ આપણે સમજવાની જરૂર છે.
* તપ કે સાધના નથી.
* યોગ વિદ્યા નથી.
* મંત્ર-તંત્ર નથી.
* હિપ્નોટીઝમ નથી.
* કાળો જાદુ નથી.
* મેલી વિદ્યા નથી.
* હાથ ચાલાકી કે નજરબંધી નથી.
* નકારાત્મક શક્તિ નથી.
* તે ભૂત-પ્રેતને બોલાવવાની વિધિ (પ્લાન્ચેન્ડ) નથી.
આ રીતે રેકી એ પૂર્ણરૂપથી શુદ્વ એવી વૈશ્ર્વિક શક્તિ, વૈશ્ર્વિક ચેતના છે.રેકી એક લાભકારી અને હકારાત્મક શક્તિ (ઙઘજઈંઝઈંટઊ ઊગઊછૠઢ) છે. તેના દ્વારા કોઇપણ પ્રકારનું નુકશાન થતું નથી અથવા તેની કોઇ આડ અસર (છઊઅઈઝઈંઘગ) પણ થતી નથી. રેકીમાં તમારા હાથ સિવાય અન્ય કોઇ સાધનની પણ જરૂર પડતી નથી. આથી તે અત્યંત સરળ એવી પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતિ છે.
રેકી દ્વારા શરીરની રસાયણિક ગ્રંથિઓ, અવયવો, સ્નાયુઓ અને અસ્થિઓના સર્જનની પ્રક્રિયાઓને વેગ મળે છે. રેકી દ્વારા તેને શક્તિ મળે છે અને તે દરેક સ્નાયુઓને સતેજ બનાવે છે. જેનાથી શરીરનું સ્વાસ્થ્ય અને સંતુલન બરાબર જળવાઇ રહે છે.
રેકીએ વૈયકિતક સારવાર પધ્ધતિ છે. રેકી લેનાર વ્યક્તિઓને પોતાના દર્દ પર સારવાર લેવાથી દર્દનું દુ:ખ તો દૂર થાય છે પરંતુ સાથોસાથ નીચેના જેવી બાબતોમાં રેકીની સીધી અસર અનુભવાય છે.
– શરીર દ્વારા શક્તિનું સંતુલન સધાય છે.
– માનસિક લાગણીઓના બંધન મુક્ત કરે છે.
– વ્યક્તિની સભાનતામાં વધારો કરે છે.
– વ્યક્તિના રોગના મૂળ કારણ પર કાર્ય કરે છે.
– વ્યક્તિની કાર્યશક્તિ (સર્જકતા)માં વધારો કરે છે.
– રેકી લેનારની આંતરિક શક્તિને સધન કરે છે.
– વ્યક્તિને સમન્વિત રીતે તંદુરસ્તી બક્ષે છે.
– વ્યક્તિ કાયાકલ્પની અનુભુતિ કરે છે.
– વ્યક્તિમાં નવાં જ વ્યક્તિત્વની ઝાંકી થાય છે.
– આધ્યાત્મિક સ્તરે ખૂબ જ પ્રગતિ થાય છે.આ ઉપરાંત પણ અનુભવે જોયું છે કે ઘણી વ્યક્તિઓનાં વ્યસન પણ રેકી સારવાર દરમ્યાન દૂર થયાં હતાં. આ બધાં તત્વોના અનુભવોથી જ વધુ ઘટકો સમજી શકાય છે.રેકી એ પ્રાણશક્તિ છે. જે અમાપ અને અસીમ છે. તેની કોઇ મર્યાદા નથી. સામાન્યત: તેનો આપણે શરીરની સુખાકારી અને આરોગ્યપ્રદ જીવન માટે ઉપયોગ કરીએ છીએ. તદુપરાંત આપણી કોઇપણ સદ્ઇચ્છાને પરિપૂર્ણ કરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય સંબંધોના સુમેળ સાધવા માટે રેકીનો ઉપયોગ થઇ શકે છે. રેકીનો આ ઉપરાંત ધંધા માટે, મશીન કે મશીનરી માટે કે વાહન માટે ઉપયોગ થઇ શકે છે. અથાત્ રેકી સજીવ કે નિર્જીવ વસ્તુઓ પર પણ આપી શકાય છે. પશુપક્ષીની કે ફૂલછોડ અને અનાજ પર પણ રેકીનો અસરકારક ઉપયોગ થઇ શકે છે. આપણે જ્યારે રેકી આપીએ છીએ ત્યારે આપણે કશી જ શક્તિ ગુમાવતાં નથી. કારણ કે આપણે તે વૈશ્ર્વિક ઉર્જાની ચેનલ બનીને રેકીનું વહન કરીએ છીએ. આથી ઉલ્ટાનું આપણે તાજગી અને આનંદ તથા સ્ફૂર્તી અનુભવીએ છીએ.
રેકીના દરેક સાધકનું મન શુધ્ધ હોવું જોઇએ
રેકીનો જન્મ માનવ મગજ અને હૃદ્યમાંથી પ્રારંભ થાય છે. તમારી પોતાની આત્મિક શક્તિનું તે જ છે જે બીજાના શરીરમાં પ્રવેશીને તેના કષ્ટો દૂર કરી દે છે તેથી રેકીના દરેક સાધકનું મન શુધ્ધ હોવું જોઇએ. માનવ શરીરની અંદર નકામી ઉર્જા ઉત્પન થવાથી જ ઘણી બિમારીઓ જન્મ લેતી હોય છે. રેકીનું શિક્ષણ એક થી ત્રણ તબક્કાનું હોય છે. રેકી એ એક આધ્યાત્મિક શક્તિ હોવાથી તેનો પ્રકાશ સંપૂર્ણ વિશ્ર્વમાં પ્રસરી ગયો. રેકી ઉપચારનું ટાઇમટેબલ ચીની વિદ્વાનોએ નક્કી કર્યું છે. હૃદ્યરોગવાળાને બપોરે 11 થી 1 માં તો કિડની વાળાને સાંજે 5 થી 7 માં રેકી અપાય છે. રેકી એક પ્રાકૃતિક અને આધ્યાત્મિક શક્તિનું નામ છે.