અબતક, નવી દિલ્હી
સંસદમાં ઉપલા ગૃહે સુધારા સાથે સરોગસી રેગ્યુલેશન બિલ, 2020 પસાર કર્યું છે. જેનો ઉદ્દેશ્ય પ્રજનન સેવાઓમાં અનૈતિક પ્રથાઓને રોકવા તેમજ લોકોના હિતની રક્ષા કરવા માટે કાનૂની માળખું પૂરું પાડવાનો હતો. આ બિલ મહિનાની શરૂઆતમાં લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. જે ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એમ્બ્રીયો ટ્રાન્સફર અને શુક્રાણુ બેંકો પર નજર રાખશે. વંધ્યત્વ સંબંધિત સેવાઓને પણ આ બિલ લાગુ પડે છે.
સરોગસી બિલમાં હવે “નજીકના સંબંધી” ને બદલે “ઇચ્છુક મહિલા” ને સરોગેટ માતા બનવાની મંજૂરી આપવાની જોગવાઈઓ છે અને દરખાસ્ત છે કે વ્યંધત્વની સમસ્યા ધરાવતા ભારતીય યુગલો ઉપરાંત વિધવાઓ અને છૂટાછેડા લીધેલી મહિલાઓ પણ તેની જોગવાઈઓનો લાભ લઈ શકે છે. સરોગેટ માટે પ્રસ્તાવિત વીમા કવચ માતા 16 મહિના પહેલાથી વધારીને 36 મહિના કરવામાં આવી છે. આ બિલનો હેતુ સરોગસીનું નિયમન કરવાનો છે જ્યારે કોમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ છે. સૂચિત સરોગસી બિલ અગાઉ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યસભાએ તેને પસંદગી સમિતિને મોકલ્યું હતું. હવે તે મંજૂરી માટે ફરીથી લોકસભામાં જશે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું કે પસંદગી સમિતિની મોટાભાગની ભલામણો સરોગસી બિલમાં સામેલ કરવામાં આવી છે. બંને બિલ લિંગ પસંદગી અને સરોગેટ માતાઓના શોષણ જેવા મુદ્દાઓથી સંબંધિત અનૈતિક પ્રથાઓને રોકવા માંગે છે. જોગવાઈઓમાં ઉલ્લંઘન માટે નાણાકીય દંડ તેમજ જેલની સજા બંનેનો સમાવેશ થાય છે.
સેરોગેસી માટે મહિલાની ઈચ્છા જરૂરી
નવા સેરોગસી બિલમાં હવે નજીકના સંબંધીને બદલે ઇચ્છુક મહિલા ને સરોગેટ માતા બનવાની મંજૂરી આપવાની જોગવાઈઓ છે. વધુમાં બીલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે મહિલા સેરોગેટ બને છે તેની સેરોગેટ બનવા માટેની ઈચ્છા જરૂરી છે. આના ભંગ બદલ જવાબદાર વ્યક્તિ ઉપર દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે.
મુંબઈમાં બાળક ખરીદ-વેચાણનું રેકેટ ઝડપાયું: 71 બાળકો મળી આવ્યા
મુંબઈમાં બાલાશ્રમના નામે બાળકોના સોદાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટ પોલીસ સુધી પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મળતી માહિતી અનુસાર બાળકો દત્તક આપવા માટે આ રેકેટમાં બાળકોનું ખરીદ વેચાણ થતું હતું. તંત્રને આ રેકેટના આરોપી પાસેથી 71 બાળકો હાજર મળી આવ્યા છે એટલે એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે અત્યાર સુધીમાં આ રેકેટમાં કેટલા બાળકોનું ખરીદ વેચાણ થયું હશે.