અંકુર સોસાયટીમાં મકાનના કરેલા સોદાના કારણે પરિચયમાં આવેલા વેપારીને કારમાં છ કલાક ગોંધી રાખ્યો: એકની ધરપકડ

 

અબતક,રાજકોટ

શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા ઇમીટેશનના વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ રૂા.9.57 લાખની લૂંટ ચલાવ્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા શખ્સની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઓમનગરમાં રહેતા અને અંકુર સોસાયટી મેઇન રોડ પર વિરાણી ઇમિટેશનના નામે ધંધો કરતા હસમુખભાઇ રામજીભાઇ વિરાણીએ કુલદીપસિંહ ગોહિલ અને જયદિપભાઇ નામના શખ્સોએ બાલાજી હોલ પાસેથી કારમાં અપહરણ કરી છ કલાક સુધી ગોંધી રાખી ધાક ધમકી દઇ રૂા.9.57 લાખની લૂંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

હસમુખભાઇ વિરાણીએ કૃપાલસિંહ ગોહિલના સાસુ શામુબેનનું અંકુર સોસાયટીમાં રૂા.31 લાખમાં મકાન ખરીદ કરી દસ્તાવેજ કર્યો ત્યારે કૃપાલસિંહ, શામુબેન અને ધૃવિન રજીસ્ટર ઓફિસે આવ્યા હોવાથી કૃપાલસિંહ ગોહિલના પરિચયમાં આવ્યા હતા. શામુબેનના ભાણેજ જમાઇ કુપાલસિંહ ગોહિલે સસ્તા ભાવે મકાન પોતાના ધ્યાનમાં છે. ખરીદ કરવા માટે હસમુખભાઇ વિરાણીને ફોન કરી જાણ કર્યા બાદ ગત તા.23-11-21ના રોજ મકાન જોવા માટે જવાનું કહી બાલાજી હોલ પાસે બોલાવ્યા હતા.

હસમુખભાઇ વિરાણી એક્ટિવા પર બાલાજી હોલ ખાતે ગયા ત્યારે ત્યાં કુપાલસિંહ ગોહિલ અને જયદીપ મહારાષ્ટ્ર પાસીંગની કાર લઇને આવ્યા હતા. કારમાં ત્રણેય માધાપર ચોકડીથી અતિથી દેવો ભવન હોટલ સામે થઇ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટના 12માં માળે ગયા હતા ત્યાં બે કલાક રોકાયા બાદ એક ભાઇ મકાનની ફાઇલ લઇને આવે છે તેમ કહી ફરી ત્રણેય કારમાં નીકળા બાદ કાર અવાવરૂ જગ્યાએ લઇ જઇ હસમુખભાઇ વિરાણીના હાથ સેલોટેપથી બાંધી બંધક બનાવી તેમનો મોબાઇલ અને રૂા.12 હજારની રોકડ સાથેનું પાકીટ પડાવી પૈસાની માગણી કરી ધમકી દીધી હતી.કુપાલસિંહ ગોહિલે લૂંટી લીધેલા હસમુખભાઇ વિરાણીના મોબાઇલમાંથી મનુભાઇ ઢોલરીયા સાથે વાત કરાવી રૂા.7.50 લાખ રોકડા પોતાના માણસો મોકલી મેળવી લીધા બાદ વિનુભાઇ ગઢીયાની સાથે મોબાઇલમાં વાત કરાવી રૂા.1 લાખ મેળવી લીધા હતા તેમજ હસમુખભાઇને તેમના ભાભી કિરણબેન સાથે વાત કરાવી રૂા.80 હજાર પડાવી લીધા બાદ રાત્રે નવેક વાગે હસમુખભાઇ વિરાણીને કારમાં બાલાજી હોલ ખાતે ઉતારી બંને શખ્સો ભાગી ગયાનું ફરિયાદમાં જણાવતા તાલુકા પોલીસ મથકના પી.આઇ. ધોળા અને પી.એસ.આઇ. એન.ડી.ડામોર સહિતના સ્ટાફે કૃપાલસિંહ ગોહિલની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા જયદીપની શોધખોળ હાથધરી છે.અંકુર સોસાયટી ખાતેનું મકાન શામુબેને પોતાના જમાઇ દિનેશભાઇ સાથે રહેતા હોવાથી તેમને આપ્યું હતું. અને મકાનના દસ્તાવેજ સમયે દિનેશભાઇ જમાઇ કૃપાલસિંહ ગોહિલે રૂા.31 લાખનું પેમેન્ટ સ્વીકારી માત્ર રૂા.14 લાખ જ શામુબેન અને પોતાના સસરા દિનેશભાઇને ચુકવી બાકીની રકમ કૃપાલસિંહ ગોહિલ ઓળવી ગયા હોવાથી પોતાના સસરા દિનેશભાઇને પેમેન્ટ પુરૂ કરવા માટે લૂંટ ચલાવ્યાની પોલીસ પૂછપરછમાં કૃપાલસિંહ ગોહિલે કબુલાત આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.