રણછોડદાસ આશ્રમ નજીક પરિવાર સાથે આવેલા શખ્સે છરી-પાઇપ વડે મારમાર્યો
અબતક,રાજકોટ
શહેરમાં કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ નજીક આવેલા પારૂલ બગીચામાં રાઇડ્સના સંચાલક પર રાત્રે કારમાં બાળકોને લઇને આવેલા શખ્સે ‘રાઇડ્સ ચાલુ કર રૂ.20ના 100 લઇ લેજે કહી ઝઘડો કરી માથામાં પાઇપનો ઘા ફટકારી બાદમાં છરીથી હુમલો કરી હાથમાં ઇજા કરતાં રાઇડ સંચાલકને સારવાર સાર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.અને કાર નંબર પરથી શખ્સની શોધખોળ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ ચામુંડા સોસાયટીમાં રહેતા પરાગ હસમુખભાઇ પાથર (ઉ.19) પારૂલ બગીચામાં હતો ત્યારે જીજે 03 એમબી -7853 નંબરની સફેદ કારમાં આવેલા શખ્સે ઝઘડો કરી માથામાં પાઇપ ફટકારી તેમજ છરીથી હુમલો કરી હાથમાં ઇજા કરતાં પરાગને સિવિલમાં દાખલ કરાયો હતો બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.
પરાગના કહેવા પોતે જમ્પીંગ રાઇડ બંધ કરી રહ્યો હતો ત્યારે કાર ચાલક બે બાળકોને લઇને આવ્યો હતો અને રાઈડ ચાલુ કરવાનું કહ્યું હતું.તો પરાગે હવે સમય પુરો થઇ ગયો છે કહી તેના બાળકોને રાઇડ્સમાં ન બેસાડતાં તે જતો રહ્યો હતો. થોડીવાર બાદ અચાનક ધસી આવી પાઇપ ઉઠાવી માથામાં ઘા ફટકારી દીધો હતો અને છરી કાઢી હુમલો કરતાં હાથ આઠો રાખી દેતાં ડાબા હાથમાં છરકો થઇ ગયો હતો. દેકારો થતાં તે બાળકોને લઇ ભાગી ગયો હતો. તેના કાર નંબરને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.