પ્રેમઝાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવી ‘તી
અબતક,દર્શન જોશી, જુનાગઢ
મેંદરડા વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની સગીર પુત્રીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર 48 વર્ષીય આરોપીને જૂનાગઢની કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 7,500 નો દંડ ફટકાર્યો છે.
મેંદરડા તાલુકાના રાજેસર ગામે ગત તા. 25 સપ્ટેમ્બર 2019 ના રોજ ખેત મજુર કરતા એક પરિવારની 15 વર્ષીય સગીર પુત્રીનું રાજેસર ગામના ભરત ઉર્ફે ભુટો જેરામદાસ મેસવાણીયા (ઉ.વ. 48) નામના શખ્સે અપહરણ કરી, ઘરેથી ભગાડી ભગાડી ગયો હતો. ત્યારે સગીરાના પરિવારજનોએ મેંદરડા પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન સગીરા ઘરે એકલી પાછી ફરતા પોલીસે સગીરા પાસેથી હકીકત જાણી હતી અને પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી ભરત ઉર્ફે ભુટો સગીરાના પાડોશીને ત્યાં કામ કરવા આવતો હોવાથી સગીરાને તે ઓળખતો હતો અને મોબાઈલમાં બેલેન્સ પણ પૂરાવી દેતો હતો.
બાદમાં આરોપીનું પોત પ્રકાશ્યું હતું અને સગીરાને ઘરેથી ભગાડી ગયો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ ગુન્હામાં મેંદરડા પોલીસે આ કામના આરોપી ભરત ઉર્ફે ભુટાની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં જ ડી.ટી. પડ્યા એ જિલ્લા સરકારી વકીલ નીરવ કે. પુરોહિતની દલીલો માન્ય રાખી હતી અને આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 7500 નો દંડ ફટકાર્યો છે.