છેલ્લા એક સપ્તાહમાં અલગ-અલગ રાજમાર્ગો પરથી રખડતા-ભટકતા 266 ઢોરને ડબ્બે પુરાયા
ગત 20મી નવેમ્બરે રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મેયર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓને એવી ટકોર કરી હતી કે રાજકોટના રાજમાર્ગોને રખડતા-ભટકતા ઢોરથી મુક્ત કરો, રઝળતા પશુઓના કારણે અકસ્માત સર્જાય છે અને ક્યારેય આ અકસ્માત જીવલેણ પણ બને છે.
પાટીલની ટકોર રાજકોટવાસીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ છે. કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા રાજમાર્ગો પરથી ઢોર પકડવાની કામગીરીને વધુ વેગવાન બનાવી દેવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજમાર્ગો પરથી 266 ઢોરને પકડી ડબ્બે પૂરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે.
છેલ્લા સાત દિવસમાં શહેરના વિસ્તારો પ્રધ્યુમન પાર્ક પાસે, માંડા ડુંગર તથા આજુબાજુમાંથી 35 પશુઓ, કોઠારીયા મેઈન રોડ, સોમનાથ સોસાયટી તથા આજુબાજુમાંથી 14 પશુઓ, છત્રપતી શિવાજી ટાઉનશીપ, રેલનગર, જંકશન માંથી 25 પશુઓ, પેડકરોડ, મોરબી રોડ, રણછોડનગર સોસાયટી પાસેથી 31 પશુઓ, ગોકુલપાર્ક, માધવવાટીકા પાસેથી 15 પશુઓ, 56 ક્વાટર્સ આવાસ, વેલનાથપરા, સેટેલાઈટ ચોક પાસેથી 30 પશુઓ, નિવિદિતાનગર, અર્ચનાપાર્ક, રવિરત્નપાર્ક, તુલશીબાગ, રૈયા ટેલીફોન એકસ્ચેન્જ પાસેથી 10 પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 266 પશુઓ પકડવામાં આવેલ છે.