મામલતદાર કચેરીઓને આગામી બેથી ત્રણ દિવસમાં પોર્ટલના લોગ ઇન એકાઉન્ટ મળી જશે : પોર્ટલ સંદર્ભે સાંજ સુધીમાં પરિપત્ર આવે તેવી સંભાવના
અબતક, રાજકોટ : ડિઝાસ્ટર મામલતદારે અરજદારને ઓનલાઇન પોર્ટલ ઉપર જિલ્લાનું પ્રથમ કોરોના સહાયનું ફોર્મ ભરાવ્યું છે. સામે અરજદારે પણ રાજીપો વ્યક્ત કરી ડિઝાસ્ટર મામલતદારનો આભાર માન્યો હતો.
રાજકોટ જિલ્લામાં કોરોના સહાયની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મહેસુલ વિભાગ દ્વારા ગઇકાલે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના થકી અરજદારો ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરી શકે. પણ પોર્ટલ અંગે હજુ લોકો અજાણ હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર પી.એલ. ગોઠીએ અંગત રસ લઈને ધવલભાઈ સાંગાણી નામના અરજદારને કચેરીએ બોલવાવી જિલ્લાનું પ્રથમ ઓનલાઇન ફોર્મ ભરાવ્યું હતું.
ધવલભાઈ સાંગાણીના પિતા કોરોનામાં અવસાન પામ્યા હોય, તેઓના માતાના નામે અરજી કરી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં ડિઝાસ્ટર શાખા તેમને મદદરૂપ થતા તેઓએ આભાર માન્યો હતો.
વધુમાં મળતી માહિતી અનુસાર અત્યારે જિલ્લામાં કોરોના સહાયની અરજીની ઓનલાઇન અને ઓફલાઇન બન્ને કામગીરી ચાલુ છે. બેથી ત્રણ દિવસમાં મામલતદાર કચેરીઓને પણ લોગ ઇન આઇડી આપવામાં આવશે. જેથી આ કચેરીઓમાં જે ઓફલાઇન ફોર્મ આવે છે. તે ફોર્મ ત્યાનો સ્ટાફ ઓનલાઇન અપલોડ કરી શકે. વધુમાં એવી પણ માહિતી મળી રહી છે. આ મામલે ગાંધીનગર ખાતેથી આજે સાંજ સુધીમાં પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે.