કેટલી જગ્યા ભરાઈ અને કેટલી ખાલી છે, તેની વિગતો 31 ડીસેમ્બર સુધીમાં આપવા આદેશ
યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપકોની જગ્યાઓ મોટી સંખ્યામાં ખાલી છે ત્યારે આ બાબતની ગંભીર નોંધ યુજીસીએ પણ લીધી છે. યુજીસીએ તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓ, ડિમ્ડ યુનિવર્સિટીઓ અને કોલેજોને પરિપત્ર કરીને તાકીદ કરી છે કે હાલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ફેકલ્ટીની ઘટ છે,જે ચિંતાનો વિષય છે.જેથી તાકીદે ભરતી કરવામા આવે.
યુજીસીએ તમામ સ્ટેટ સરકારી યુનિવર્સિટીઓ,ડિમ્ડ યુનિવર્સિટીઓ અને કોલેજોને પરિપત્ર કરીને જણાવ્યું છે કે હાયર એજ્યુકેશનમાં ક્વોલિટી એજ્યુકેશન માટે પુરતા પ્રમાણમાં ફેકલ્ટી હોવા જરૂરી છે.શૈક્ષણિક પ્રક્રિયાઓમા અધ્યાપકો સ્તંભ સમાન છે અને પરીક્ષાથી માંડી પરિણામ અને ટીચિંગ-લર્નિંગ તેમજ મૂલ્યાંકનમાં અધ્યાપકોની મહત્વની ભૂમિકા છે.
અભ્યાસક્રમ તૈયાર કરવાથી માંડી વિદ્યાર્થીઓને સમાજના જવાબદાર નાગરિક બનાવવાની તેમજ વ્યવસાયિકો તૈયાર કરવાની અધ્યાપકોની નિર્ણાયક ભૂમિકા છે.જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપકો પુરતા પ્રમાણમા હોવા જોઈએ. હાલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ફેકલ્ટીની ઘટ ચિંતાનો વિષય છે.
આ બાબતે સંસ્થાઓ ગંભીરતાથી વિચારી તાકીદે ભરતીની પ્રક્રિયા કરે.ઉપરાંત યુજીસીએ યુનિ.ઓને એ પણ તાકીદ કરી છે કે યુજીસી દ્વારા ભરતી પ્રક્રિયા માટે જે ગાઈડલાઈન અને ટાઈમ ફ્રેમ નક્કી કરવામા આવ્યા છે તે મુજબ જ પ્રક્રિયા કરવામા આવે.
યુજીસીએ તમામ યુનિ.ઓને યુનિ.ના ભવનો તેમજ સંલગ્ન કોલેજોમાં અધ્યાપકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા કરવાની સૂચના આપી 31મી ડિસેમ્બર સુધીમાં ખાલી પડેલી શૈક્ષણિક જગ્યાઓ તેમજ તેની ભરતી માટેની પ્રક્રિયાની વિગતો પણ ઓનલાઈન મોકલવા જણાવ્યુ છે.