12 કિલો ચરસ, બાઇક, બે મોબાઇલ અને રોકડ પશ્ચિમ કચ્છ એસઓજીએ કબ્જે કર્યા: ત્રણ શખ્સો ફરાર
સમગ્ર રાજયમાં ડ્રગ્સના ધંધાર્થી પર પોલીસે ધોસ બોલાવી છે ત્યારે પશ્ર્ચિમ કચ્છમાં ચરસનું વેચાણ કરતા બે શખ્સોને ઝડપી તેની પાસેથી રૂા.18.22 લાખની કિંમતના 12 કિલો ચરસ કબ્જે કર્યુ છે. તપાસ દરમિયાન અન્ય ત્રણ શખ્સોની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંઓથી પ્રાપ્ત વિગત મુજબ અબડાસાના ભાચુડા ગામના મામદ હુસેન શમા નામનો શખ્સ ભૂજના એરપોર્ટ રીંગ રોડ પર ખારી નદી ચાર રસ્તા પાસે ચરસનો જથ્થો વેચવા માટે આવ્યાની બાતમીના આધારે પશ્ર્ચિમ કચ્છ એસઓજી પી.આઇ. એ.આર.ઝાલા, એએસઆઇ ઘનશ્યામસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મદનસિંહ જાડેજા સહિતના સ્ટાફે ચરસ અંગે દરોડો પાડયો હતો.
મામદ હુસેન શમા પાસેથી રૂા.7.27 લાખની કિંમતના 4 કિલો 850 ગ્રામ ચરસ સાથે ઝડપી બાઇક અને મોબાઇલ કબ્જે કર્યા હતા. મામદ હુસેન શમાની પૂછપરછ દરમિયાન તે અબડાસાના સુથરી ગામના મુસ્તાક અલીમામ સુમારા પાસેથી લાવ્યાની કબુલાત આપતા એઓજી સ્ટાફે સુથરી ગામે ચરસ અંગે દરોડો પાડી રૂા.10.95 લાખની કિંમતના 7 કિલો 300 ગ્રામ ચરસ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓની સાથે અબડાસાના સુથરી ગામના વિજય સિધિક કોળી, કાસમ અલીમામદ સુમરા અને આમદ ઉર્ફે ફન્ટી સિધિક મંઘરાની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેય શખ્સોની શોધખોળ હાથધરી છે.