કાનપુર પોલીસની મદદથી ઓપરેશન પાર પાડી જામનગર પોલીસે સુત્રધારને ઝડપી લીધો
જામનગરથી ઉતરપ્રદેશ ફરવા ગયેલા 2 યુવાનોના ઉત્તરપ્રદેશમાં થયેલા અપહરણ બાદ જામનગર પોલીસ સ્થાનિક પોલીસની મદદથી ગુપ્ત ઓપરેશન પાર પાડી બંને યુવાનોને છોડાવી જામનગર આવવા રવાના થઇ હતી. જેને પગલે આજે મંગળવારે બપોર બાદ પોલીસ યુવાનોને છોડાવી જામનગર પરત આવી જશે. તેમ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
જામનગરમાં પોશ વિસ્તારમાં રહેતી એક મહિલા બે દિવસ પૂર્વે સીટી બી ડીવીજન પોલીસ દફ્તરે આવી હતી. જેણે આ સમગ્ર ઘટના અંગે પોલીસને વિગતો આપી હતી. જેના અંતર્ગત તેણીએ જણાવ્યું હતું કે તેના પતિ અને તેમના મિત્રો ચાર દિવસ પૂર્વે ઉત્તરપ્રદેશ ફરવા ગયા હતા. જ્યાં એક દિવસ સંપર્ક નહિ થયા બાદ તેણીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેણીના પતિ અને તેની સાથે રહેલા યુવાનનું અપહરણ થયું છે.
મહિલા પાસે બંનેની સલામતી માટે રૂપિયા આપવાની માંગણી પણ કરવામાં આવી હતી. આવી ઘટના સામે આવતા જીલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાનપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને લઈને કાનપુર પોલીસે તમામ સહકારની ખાતરી આપતાં જામનગર પોલીસની એક ટીમ કાનપુર પહોંચી હતી.
પોતે યુવાનોના પરિવાર વતી આવ્યા હોવાની ગુપ્ત ઓળખ આપી જામનગર પોલીસ અપહરણકારો સુધી પહોંચી હતી અને સમયસુચકતા વાપરી કાનપુર પોલીસની મદદથી બંને અપહૃતને મુક્ત કરાવ્યા હતા. જામનગર પોલીસે બંને યુવાનોને હેમ ખેમ ઉગારી લીધા હોવાની જામનગર પરિવારને જાણ થતા જામનગરમાં ખુશી ફેલાઈ ગઈ હતી. જામનગર પોલીસ બંને યુવાનોને સાથે રાખી જામનગર આવવા રવાના થઇ છે. આજે મંગળવારે સાંજ સુધીમાં આ ટીમ બંને યુવાનોને લઈ અહીં આવી જશે. ત્યારબાદ પોલીસ સત્તાવાર વિગતો જાહેર કરશે એમ પીઆઈ કે એલ ગાધેએ જણાવ્યું હતું.
સર્વેલન્સ સ્કવોડ અને સાયબર ક્રાઇમની મદદથી જામનગર પોલીસે નેટવર્ક પર નજર રાખી 2 દિવસ પહેલા જ્યારે અપહરણની ઘટના પોલીસ પાસે આવી ત્યારે પોલીસે સૌપ્રથમ તો જિલ્લા પોલીસવડા મારફતે કાનપુર પોલીસવડાનો સંપર્ક કર્યો જ્યાંથી તમામ મદદની ખાતરી મળતા જામનગર પોલીસે સર્વેલન્સ સ્કવોડ તેમજ સાયબર ક્રાઈમની મદદથી આખા નેટવર્ક પર સતત નજર રાખી એક ટીમને કાનપુર રવાના કરી હતી જેણે સ્થાનિક પોલીસની મદદથી સચોટ ઓપરેશન પાર પાડી બંને યુવાનોને છોડાવ્યા હતા.
અપહરણની આ ઘટનામાં ચોંકાવનારુ તત્વ બહાર આવ્યું છે કે, બંને યુવાનો કાનપુર કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર લાખોની ઉઘરાણી કરવા નીકળી પડ્યા હતા અને ફસાઈને સામે જીવનું જોખમ થઈ ગયું હતું. તેમજ પૈસા લેવાના બદલે લાખો રૂપિયા દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જો જામનગર પોલીસે સમય સૂચકતા વાપરીને ઓપરેશન પાર પાડ્યું ન હોત તો નિશ્ચિતપણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત.
ઉત્તરપ્રદેશથી અપહરણકારને લઇને પોલીસ જામનગર આવવા રવાના, આજે પહોંચશે જામનગર પોલીસે પાર પાડેલા ગુપ્ત ઓપરેશનમાં મુખ્ય અપહરણકર્તા ઝડપાઈ ગયો છે જેને તેમજ છોડાવેલા બંને યુવાનોને લઈને જામનગર પોલીસ ખાનગી વાહનમાં જામનગર આવવા રવાના થઈ ગઈ છે જે સંભવિત બુધવારે પહોંચી જશે જે બાદ તમામ હકીકત પોલીસ જાહેર કરશે.