અબતક,રાજકોટ

શહેરના કુવાડવા રોડ પર આવેલા કુચીયાદડ પાસે પરપ્રાંતિય બે ભાઇઓ વચ્ચે લગ્નના પ્રશ્ર્ને થયેલા ઝઘડાના કારણે સગા ભાઇના હાથે ભાઇની હત્યા થતા વધુ એક લોથ ઢળી છે. પંદર દિવસમાં પાંચ હત્યાના બનાવ પોલીસમાં નોંધાયા છે.કુચીયાદડ ખાતે થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા સગા ભાઇની પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુચીયાદડ પાસે આવેલા કલાસિક પોલીમર્સ નામના કારખાનામાં કામ કરતા પવન રામવિલાશ નામના 22 વર્ષના પરપ્રાંતિય યુવાનને માથામાં ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.

મૃતક પવન રામવિલાશના માથામાં બોથર્ડ પદાર્થના કારણે ઇજા થયાનું જણાતા એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. જી.એમ.હડીયા અને રાઇટર પ્રવિણભાઇ ગઢવી સહિતના સ્ટાફે ઉંડી તપાસ કરી મૃતકના ભાઇ સાવન રામવિલાશની પૂછપરછ કરતા ગતરાતે બંને ભાઇ વચ્ચે લગ્નના પ્રશ્ર્ને ઝઘડો થયો હોવાથી પોતાના મોટા ભાઇ પવન રામવિલાશના માથામાં બેટ મારી મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત આપી હતી.

કુચીયાદડમાં નાના ભાઇના હાથે મોટાભાઇની હત્યા

એરપોર્ટ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ખૂનના ગુનામાં સંડોવાયેલા મૃતકના નાના ભાઇની કરી ધરપકડ

મુળ ઉત્તર પ્રદેશના આગ્રાના વતની અને ઘણા સમયથી રાજકોટ સ્થાયી થઇ કુચીયાદડ પાસે આવેલા કલાસિક પોલીમર્સ નામના કારખાનામાં કામ કરતા પવન રામવિલાશને લગ્ન કરવામાં તેનો નાનો ભાઇ સાવન મદદ કરતો ન હોવાથી બંને ભાઇ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે પવન રામવિલાશ ફેકટરીની અગાશી પર હતો ત્યારે તેના માથામાં બેટ મારી દેતા તે ઢળી પડયો હતો. 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં પવનને ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ પ્રાણ પંખેરૂ ઉડી જતા એરપોર્ટ પોલીસે પવન રામવિલાશની હત્યા અંગેનો તેના જ નાના ભાઇ સાવન રામવિલાશ સામે નોંધી ધરપકડ કરી છે.

કુચીયાદડના કારખાનામાં સગા નાના ભાઇના હાથે મોટા ભાઇની થયેલી હત્યાનો એરપોર્ટ પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાના ભાઇ સાવન રામવિલાશની ધરપકડ કરી છે. શહેરમાં પંદર દિવસમાં થયેલી પાંચમી હત્યા થઇ છે પરંતુ તમામ બનાવનો પોલીસે ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.