પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરીંદર સિંઘે ભાજપ સાથે ગઠબંધન કરવાની સતાવાર જાહેરાત કરી : પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ માટે પ્રચાર કરવા પણ નીકળશે
વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં અનેક નવા રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે. ભાજપ સાથે ગઠબંધનની અટકળો વચ્ચે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સોમવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલના ઘરે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બેઠક બાદ કેપ્ટને કહ્યું કે તેમની પાર્ટી પંજાબમાં બીજેપી સાથે મળીને આગામી સરકાર બનાવશે.
જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું “મોટા ચહેરાઓ” વિધાનસભા ચૂંટણી પહેલા તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસમાં જોડાશે, તો તેમણે કહ્યું, “સમયની રાહ જુઓ.” બધું બરાબર થઈ રહ્યું છે. લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને અમારી મેમ્બરશિપ ડ્રાઇવ સારી રીતે ચાલી રહી છે. ભગવાનની ઈચ્છાથી, અમે ભાજપ સાથે અમારી સીટ એડજસ્ટ કરીશું અને સુખદેવ સિંહ ધીંડસાની પાર્ટી (એસએડી સંયુક્ત) સાથે સરકાર બનાવીશું.
કેપ્ટને કહ્યું કે આ હરિયાણાના મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત હતી. મેં હરિયાણાના મુખ્યમંત્રી સાથે ચા પીવા માટે સમય માંગ્યો હતો. આજે ખૂબ જ સારી બેઠક થઈ, આ દરમિયાન કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા થઈ નથી. લોકસભામાં કૃષિ કાયદા પાછી ખેંચવા પર કેપ્ટને કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવ્યા છે, આ સિવાય કેન્દ્ર સરકારે ખેડૂતોના 6-7 મુદ્દાઓ પર પણ સહમતિ દર્શાવી છે. હવે કોઈ મુદ્દો બચ્યો નથી.
કેપ્ટને કહ્યું કે તે કેટલાક લોકોના સંપર્કમાં છે. તેમનું માનવું છે કે આજે કે 4 ડિસેમ્બરે નિર્ણય લેવામાં આવશે, જો કે તેમણે આંદોલનને લઈને ખેડૂત નેતાઓ સાથે કોઈ ચર્ચા કરી નથી, પરંતુ કેટલાક ખેડૂત નેતાઓ તેમના સંપર્કમાં છે જેમની પાસેથી આ માહિતી મળી છે. પંજાબમાં બીજેપી સાથે ગઠબંધન પર કેપ્ટને કહ્યું કે હું જ્યારે પણ દિલ્હી જઈશ ત્યારે ગઠબંધનને લઈને ભાજપના ટોચના નેતૃત્વ સાથે ચોક્કસ વાત કરીશ. પંજાબમાં તેમના કટ્ટર હરીફ નવજોત સિદ્ધુ પર કેપ્ટને કહ્યું કે સિદ્ધુ સવારે કંઈક બોલે છે, સાંજે કંઈક બીજું બોલે છે, હું તેમના વિશે કંઈ કહેવા માંગતો નથી. તેમણે કહ્યું કે અમારી મેમ્બરશિપ ડ્રાઈવ ખૂબ સારી રીતે ચાલી રહી છે, સમયની રાહ જુઓ. અમે અમારા સહયોગીઓ સાથે પંજાબમાં સરકાર બનાવીશું.
આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ માટે પ્રચાર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસને સારી રીતે જાણે છે અને તેમના માટે કોંગ્રેસ પર હુમલો કરવો સરળ છે.