રાજકોટ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ત્રણથી પાંચ નામો: હવે સંકલન સમિતિ કાલે પેનલ બનાવી પ્રદેશમાં મોકલશે
અબતક,રાજકોટ
રાજકોટ, જેતપુર, ઉપલેટા અને ધોરાજી માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા વાઈસ ચેરમેનની વરણી માટે આગામી ગૂરૂવારે ચૂંટણી યોજાવાની છે ગત શનિવારે રાજકોટ જિલ્લાભાજપ દ્વારા ગોંડલ યાર્ડ ખાતે ચારેય યાર્ડના ચૂંટાયેલા ડિરેકટરો અને તાલુકા મંડળના સંગઠનના હોદેદારોની સેન્સ લેવામાં આવી હતી ચાર પૈકી એકપણ યાર્ડ માટે કોઈ એક નામ પર સર્વ સંમતી ન સધાતા હવે પેનલો બનાવવાની ફરજ ઉભી થવા પામી છે. આવતીકાલે જિલ્લા ભાજપની સંકલન સમિતિ બેસી ચારેય યાર્ડ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનના નામોની પેનલ બનાવી પ્રદેશ ભાજપને મોકલી આપશે. જયાંથી બીજી ડિસેમ્બરે ચૂંટણીની એક કલાક પૂર્ણ બંધ કરવામાં હોદેદારોના નામો મોકલવામાં આવશે.
આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ, ધોરાજી, જેતપુર અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો છે. પ્રથમ વાર ભાજપ દ્વારા યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુકતી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગત શનિવારે પ્રદેશ દ્વારા નિયુકત કરવામાં આવેલા જિલ્લા પ્રભારીઓ અને જિલ્લાભાજપના સંગઠનના હોદેદારો દ્વારા ચારેય યાર્ડના ચૂંટાયેલા ડિરેકટરો અને તાલુકા મંડળના સંગઠનના હોદેદારોને સાંભળવામં આવ્યા હતા જેમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન માટે પાંચેક ડિરેકટરોએ દાવેદારી રજૂ કરી હતી જયારે વાઈસ ચેરમેન માટે પણ ચારેક દાવેદારો મેદાનમાં છે. જેતપૂર માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન માટે પણ ચાર નામ, ધોરાજી યાર્ડના ચેરમેન બનવા ચાર દાવેદારો અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદ માટે પાંચ જેટલા ડિરેકટરોઓ સેન્સ આપી છે.
આવતીકાલે સાંજે અથવા બુધવારે સવારે સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપની સંકલન સમિતિની એક બેઠક મળશે જેમાં તમામ ચારેય યાર્ડ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ત્રણ ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે અને આ નામો પ્રદેશ ભાજપ સમક્ષ મોકલી દેવામાં આવશે. બીજી ડિસેમ્બરે રાજકોટ, ધોરાજી, ઉપલેટા અને જેતપૂર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પૂર્વ ડિરેકટરોની સંકલન બેઠકમાં એક બંધ કવરમાં ચેરમેન અને વાઈસ ચેરમેનના નામો મોકલવામાં આવશે બીજી તરફ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક જૂથ બળવો કરવાની પણ વાતો ચલાવી રહ્યું છે. હાલ જેનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. તેના બદલે અન્ય કોઈને ચેરમેન બનાવવામાં આવશે તો બળવો કરાશે તેવી અંદરખાને ચિમકી ઉચ્ચારવામાં આવી રહી છે.