એલ.સી.બી.ની સરાહનીય કામગીરીથી શાપરમાં યુવકની, રીબડા પાસે યુવતીની હત્યા અને ગોંડલ નજીક લૂંટનો ભેદ ઉકેલાયો: જસદણ પાસે દારૂનો જંગી જથ્થો પકડાયો: રૂરલ એસ.પી. બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં આપી વિગત: પી.આઈ. અજયસિંહ ગોહિલ અને ટીમને બિરદાવ્યા
રાજકોટ ગ્રામ્ય પોલીસે ગુનાખોરી આચરતા શખ્સો સામે કડક હાથે કામગીરી બે હત્યા, લૂંટનો ભેદ ઉકેલાયો જયારે જસદણ નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડયો છે.
શાપરની સર્વોદય સોસાયટીના યુવકને મારમારી લાશને પારડી ગામ પાસે ઓવર બ્રિજ નીચે ફેંકી દેવાની ઘટનામાં એલ.સી.બી. અને સ્થાનિક પોલીસે બે શખ્સોને ઉઠાવી લઈ હત્યાનો ભેદ ઉકેલ્યો જયારે રીબડા પાસે યુવતીને ગળુ દાબી મોતને ઘાટ ઉતારવામાં તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગોંડલ નજીક 10 દિવસ પૂર્વે લૂટનો ભેદ ઉકેલી મીલના કર્મચારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
જસદણ પાસે ટોરસ ટ્રકમાંથી 700 પેટી વિદેશી દારૂ સાથે ચાલક અને કલીનરને ઝડપી લરધા તેમ પત્રકાર પરિષદમાં બલરામમીણાએ માહિતી આપી ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એ.આર. ગોહિલ, શાપર પોલીસ મથકના પી.એસ.આઈ. કુલદીપસિંહ અને એસ.જે. રાણા સહિતના સ્ટાફની કામગીરીને બીરદાવી હતી.રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી જિલ્લામાં સધન ચેકીંગ હાથધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા બલરામ મિણાની સૂચના અનુસાર તાલુકા પોલીસ દ્વારા વણશોધેલ બનાવોને શોધી કાઢવા માટે સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા વિસ્તારમાંથી ચાર ગંભીર ગુનાઓનો પોલીસે ભેદ ઉકેલી જાણે આરોપીઓ પર સર્જિલ સ્ટ્રાઈક કરી હોય તેમ લાગી રહ્યું છે.
આ સાથે રાજકોટની યુવતીને તેના જ પતિએ હત્યા કરી રિબડા પાસે લાશ ફેંકી દીધાની જાણ ગ્રામ્ય પોલીસને થતા જ ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી તેના પતિને ઝડપી પાડ્યો હતો. પોલોસે ખૂનના આરોપી તથા લૂંટના આરોપી અને મોટા દારૂના જથ્થા સાથે અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. એલસીબી અને તાલુકા પોલીસ મથકની સરાહનીય કામગીરી દ્વારા ચાર ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળતા જિલ્લા પોલીસ વડા બલરામ મિણાએ પણ પોલીસની ટીમને બિરદાવી છે.
પ્રેમ પ્રકરણમાં આડખીલીરૂપ બનતા યુવકની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
એલ.સી.બી. અને શાપર પોલીસે સુત્રધાર સહિત બેની ધરપકડ: બેની શોધખોળ
રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા શાપર-વેરાવળ નજીક પાટડી ગામના ઓવરબ્રીજ પાસે એક સપ્તાહ પૂર્વે મૂળ માણાવદર પંથક અને હાલ શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતો યુવકની હત્યાનો એલ.સી.બી.એ ભેદ ઉકેલી મુખ્ય સુત્રધારને પોરબંદરથી અને સાગ્રીતને હૈદરાબાદ ખાતેથી ઝડપી લઈ અને જૂની અદાવતમાં યુવકનું ઢીમઢાળી દીધાની કબુલાત આપી છે. જયારે નાશી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ માણાવદર પંથકનો અને હાલ શાપર વેરાવળ સર્વોદય સોસાયટીમાં રહેતો નિલેશ ઉર્ફે ભદો દેવશી સોંદરવા નામના યુવકને મારમારી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના ભાઈ એ પોરબંદરના ભરત ઉર્ફે ભૂરો કાંતી ચાંચીયા અને કેશોદના બાલા ગામનો અને શાપર ખાતે રહતો ચિરાગ રાજેશ જોષી નામના શખ્સે કર્યાની શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હત્યાના ગુનાને ભેદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઈ.એ.આર. ગોહિલ અને પી.એસ.આઈ. કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે હત્યાનો માસ્ટર માઈન્ડ ભરત ઉર્ફે ભૂરો કાંતી ચાંચીયાને વતન પોરબંદર ખાતેથી અને ચીરાગ રાજેશ જોષીને હૈદરાબાદ સીટી બાલાનગર વિસ્તારથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા બંને શખ્સોની આકરી પૂછપરછમાં ભાંગી પડયા હતા
ભરત ઉર્ફે ભૂરો કેશોદ ખાતે પ્રેમીકાને મળવા જતો તે વિસ્તારમાં રહેતો મૃતક નિલેશ ઊર્ફે ભદો અને તેના મિત્રે ભરત ઉર્ફે ભૂરાને મારમારેલ તેનો ખાર રાખી ભરત ઉર્ફે ભુરાએ મિત્ર ચિરાગ જોષી, સોહીલ રફીક જલવાણી અને જીજ્ઞેશ ઉર્ફે ભયલી વાઢીયાની મદદથી નિલેશ ઉર્ફે ભદાને પાઈપ વહે મારમારી મોતને ઘાટ ઉતારી પારડી શિતળા મંદિર પારના ઓવરબ્રીજના પુલીયા નીચે નાખી દીધાની કબુલાત આપી હતી.ઝડપાયેલો ભરત ઉર્ફે ભૂરા ચાંચીયા સામે દારૂ, લૂંટ સહિતના નવ ગુનામાં કેશોદ પોલીસ મથકના ચોપડે ચડી ચૂકયો છે. જયારે નાશી છૂટેલા સોહીલ રફીક જલવાણી અને જીજ્ઞેશ ઉર્ફે ભયલીકાના વાઢીયાને ઝડપી લેવા આશ્રય સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે.
ગોંડલ લૂંટમાં મિલ કર્મચારીનો ભાંડો ફૂટ્યો: પાંચ લૂંટારાઓની ધરપકડ
બે શખ્સોએ કાવતરૂ રચ્યું તો અન્ય બે શખ્સોએ આપ્યો લૂંટને અંજામ
ગોંડલમાં ગત તા.17મી નવેમ્બરના રોજ મીલના માલિક ભાવિનભાઈ કનૈયાલાલ માયાણીને રસ્તામાં બે શખ્સોએ રોકી ધોકા વડે માર મારી રૂ.3 લાખની રોકડ સહિત બાઇકની લૂંટ ચલાવાના ગુનામાં પોલીસને સફળતા મળી છે. ગોંડલ પોલીસના પીઆઈ એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે આ અંગે મીલના કર્મચારીઓની જીણવટ ભરી તપાસ કરતા વીંછીયાનો મેહુલ વાલજી બાવળિયાની જ સંડોવણી ખુલી હતી. પોલીસે મેહુલ બાવળિયાની આકરી પૂછતાછ કરતા તેને માળિયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામના શખ્સ અવિનાશ અમૃતલાલ કમાણીને આ બાબતે ટીપ આપી હોવાની કબૂલાત આપી હતી.
જેથી પોલીસે અવિનાશ કમાણીને દબોચી તેની પૂછતાછ કરતા અવિનાશ કમાણીએ તેના જ ગામના નિલેશ ધનજી કોરાટ સાથે મળી સમગ્ર લૂંટનો પ્લાન ઘડ્યો હતો.બંને શખ્સોને પ્લાન મુજબ અન્ય મોરબીના અમનદીપ કુમાર ઉર્ફે લકી તરસીમ કુમાર સોહતા અને અંજારના ભરત ખેંગાર દાફડાએ ફરિયાદી ભાવિનભાઈ માયાણીને માર મારી બાઇક અને રોકડા રૂ.3 લાખની લૂંટને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કુલ રૂ.1.36 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ લૂંટની ઘટનામાં એલસીબી સ્ટાફના પીઆઇ એ.આર.ગોહિલ, પીએસઆઇ એસ.જે.રાણા સહિતના સ્ટાફે પાંચેય આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપીએ આપેલી કબુલાતના આધારે ઘણી રકમ આરોપીએ ઘરે મોકલાવી છે તો અમુક રકમ કપડા સહિતની ખરીદીમાં વાપર્યા હોવાનું ખુલ્યું હતું.