યોગના ટ્રેનરો દ્વારા યોગના અલગ વર્ગો શરૂ કરવા નિર્ણય લેવાઈ શકે છે
અબતક, રાજકોટ
રાજ્યની શાળાઓ તેમજ કોલેજોમાં યોગ એક વિષય તરીકે ભણાવવામાં આવે તે દિવસ હવે દૂર નથી. રાજ્યના શિક્ષણ વિભાગે આ મુદ્દે ચર્ચા વિચારણા શરૂ કરી છે. તાજેતરમાં ગાંધીનગરમાં શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં યોગને હવે સ્કૂલ કોલેજોમાં વિષય તરીકે સમાવવાની ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન દ્વારા યોગ દિવસની ઉજવણી શરૂ કરાયા બાદ સમગ્ર રાજ્યમાં યોગ પ્રત્યે લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. શાળાઓ અને કોલેજોમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે યોગના અનેક ફાયદાઓ થતા હોય રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
માત્ર શાળાઓ જ નહીં પરંતુ કોલેજના વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં રાજયકક્ષાના મંત્રી કીર્તિસિંહ રાણા અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણને લગતા અનેક મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ખાસ યોગને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તેના અમલીકરણ માટે મહત્વના પાસાઓની છાણવટ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્કૂલ અને કોલેજોમાં યોગના ટ્રેનરો દ્વારા યોગના અલગ વર્ગો શરૂ કરવા નિર્ણય લેવાઈ શકે છે. આ મુદ્દે તમામ વિગતો વિભાગ પાસે પહોંચ્યા બાદ તેની તપાસ કરાશે અને ત્યારબાદ આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી પુરી શકયતા છે.