કલેકટરે ડીએલઆઈઆર અને નગરનિયોજનને આપી સૂચના : જંત્રી દર નક્કી થયા બાદ હવે ટૂંક સમયમાં ભાવ નક્કી કરવાની કવાયત હાથ ધરાશે
અબતક, રાજકોટ : અમુલ માટે ગઢકા નજીક પસંદ કરવામાં આવેલી જમીનના જંત્રી દર નક્કી થઈ ગયા બાદ હવે આ જમીનની માપણી અને નકશો તૈયાર કરવા માટે જિલ્લા કલેકટરે ડીએલઆઇઆર અને નગર નિયોજનને સૂચના આપી છે. આ ઉપરાંત હવે ટૂંક સમયમાં ભાવ નક્કી કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
વિશ્વ વિખ્યાત અમુલ ડેરીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ભૂપગઢ ગામની 100 એકર જમીન પસંદ કરી છે. આ માટે તેને જિલ્લા કલેકટરને દરખાસ્ત પણ કરી હતી. અગાઉ જિલ્લા તંત્ર દ્વારા ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને અમુલ દ્વારા ગઢકા ગામ નજીક 100 એકર જમીન પસંદ કરી છે.
ગઢકા ગામ આસપાસની જમીનના જંત્રી દર ન હોય તંત્ર દ્વારા કલમ 33 મુજબ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટીને ભાવ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે મુજબ સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર જંત્રી દર નક્કી કરી લીધો હતો. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તેઓએ જંત્રી દર રૂ.778 પ્રતિ મિટર નક્કી કર્યા છે. જેના આધારે ટૂંક સમયમાં જમીનના ભાવ નક્કી કરવામાં આવશે. અને તંત્ર દ્વારા આ જમીન સંદર્ભે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.
બીજી તરફ અમુલ માટે પસંદ કરાયેલ જમીનની માપણી કરવા માટે ડીએલઆરઆર અને નકશો તૈયાર કરવા માટે નગર નિયોજન વિભાગને જિલ્લા કલેકટરે સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનનારો પ્લાન્ટ ગાંધીનગરમાં બની રહેલા તેના સૌથી મોટા 50 લાખ લીટર ડેઇલી કેપેસિટી ધરાવતા પ્લાન્ટ પછી બીજા નંબરનો પ્લાન્ટ બની શકે છે. ફેડરેશન આ માટે રુ. 200 કરોડના ખર્ચે પ્રતિ દિવસ 30 લાખ લિટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ સ્થાપવા માગે છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છના દુધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે.