સમયનો બદલાવ કે રાષ્ટ્રીયકરણ નિષ્ફળ?
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીસ બેંકનું ખાનગીકરણ કરવા મોદી સરકારની તૈયારી, શિયાળુ સત્રમાં બીલ મૂકાય તેવી શકયતા
બેન્કિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવી બજારમાં તરલતા લાવવા વર્ષ 1949ની સાલમાં એકી સાથે પ્રથમ વખત 14 જેટલી મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું એટલે કે આ બેંકોનો હવાલો સરકારે પોતાના હાથમાં લઈ લીધો હતો પરંતુ કહેવાય છે ને કે સમય કાયમ એક નથી રહેતો. ગઈકાલની મહત્વની જરૂરિયાતો આવતીકાલની સમસ્યા પણ બની શકે છે. બેંકિંગ ક્ષેત્ર પણ કંઈક આવી જ અસર પડી છે. સમય બદલાયો છે કે આઝાદીકાળ વખતે થયેલ રાષ્ટ્રીયકરણ હવેના સમયે નિષ્ફળ નીવડ્યું છે. ઇન્દિરા ગાંધીની નેતૃત્વ વાળી સરકારે રાષ્ટ્રીયકરણ કરી બેંકિંગ ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફારો લાવ્યા તો એ જ દિશાની વિપરીતમાં આજે મોદી સરકાર કામ કરી રહી છે. આ સમયનો બદલાવ..?
રાષ્ટ્રીયકરણ કરાયેલી બેંકોનું આજે ફરી ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આગામી ટૂંકાગાળામાં જાહેર ક્ષેત્રની બે બેંક- બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીસ બેન્કનું ખાનગીકરણ કરવા મોદી સરકારે તખ્તો તૈયાર કર્યો છે. આ માટે જરૂરી એવા નિયમોમાં મોટા ફેરફારો કરી સરકાર આગામી સોમવારથી શરૂ થયેલા શિયાળુ સત્રમાં બિલ મૂકે તેવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને પણ જાહેરાત કરી હતી કે સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ થકી રૂપિયા 1.75 લાખ કરોડ ઊભા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેમાં બેંકોનું ખાનગીકરણ એક મોટો ફાળો ભજવશે..!! જાહેર ક્ષેત્રની બેંકોનુ ખાનગીકરણ કરવા માટે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં રહેલો હાલનો 51 ટકાનો હિસ્સો ઘટાડી 26 ટકા કરી દે તેવી તીવ્ર શક્યતા છે.