ગત સપ્તાહની સરખામણીએ ડેંન્ગ્યૂના કેસમાં 45 ટકાથી વધુનો ઘટાડો, મેલેરિયાના ચાર અને ચિકનગુનીયાના 3 કેસો મળી આવ્યાં
શિયાળાની સિઝન શરૂ થતાની સાથે શહેરમાં ડેંન્ગ્યૂ તાવના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગત સપ્તાહે શહેરમાં 43 કેસ મળી આવ્યાં હતા જેમાં 45ટકાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. વિતેલા સપ્તાહમાં ડેંન્ગ્યૂના 24 કેસો મળી આવતાં તંત્રની રાહતનો શ્ર્વાસ લીધો છે. મેલેરિયાના ચાર અને ચિકનગુનીયાના 3 કેસો મળી આવ્યાં છે. મચ્છરોની ઉત્પતી સબબ 805 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.
કોર્પોરેશન આરોગ્ય શાખા દ્વારા સપ્તાહિક રોગચાળાના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 15 થી 21 નવેમ્બર દરમિયાન એક સપ્તાહમાં ડેંન્ગ્યૂના 24 કેસો મળી આવ્યા છે. આ સાથે ચાલુ વર્ષમાં ડેંન્ગ્યૂના કુલ 386 કેસો નોંધાયા છે. મેલેરિયાના ચાર કેસો નોંધાયા છે. આ સાથે મેલેરિયાના કુલ કેસનો આંક 53 એ પહોંચ્યો છે. ચિકન ગુનીયાના 3 કેસો મળી આવ્યા છે.
આ સાથે ચીકન ગુનીયાના કુલ કેસનો આંક 29એ પહોંચ્યો છે. જ્યારે ગત સપ્તાહ શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી શરદી, તાવ, ઉધરસના 695 કેસો સામાન્ય તાવના 442 કેસ, ઝાડા-ઉલ્ટીના 39 કેસ અને ડોગ બાઇટના 289 નોંધાયા છે. વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે 46,728 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તથા 4,852 ઘરો ફોંગીગ કરવામાં આવ્યું હતું.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ તિરૂપતિ પાર્ક, ગણેશ પાર્ક, અમૃત પાર્ક, ખત્રીવાડ, આનંદનગર, શ્રીરામ સોસા. દરબારગઢ વિસ્તાર, જયરાજપ્લોટ, ગીતાનગર, મહાત્માગાંધી પ્લોટ, પરસાણા સોસા.શેરી નં.6,7,8, અવધપાર્ક, રામેશ્ર્વર પાર્ક, રાજ રેસીડેન્સી, અમૃત રેસીડેન્સી-2, રાજનગર (રેલનગર) ન્યુ સાગર શેરી નં.1 થી 8, તિરૂપતિ સોસા. કોઠારીયા રોડ, મુરલધર પાર્ક, ગોલ્ડન પાર્ક, માટેલ સોસા. સ્વામીનારાયણ પાર્ક, જીવરાજપાર્ક, રૂડાનગર-2, અમરજીતનગર, સખીયાનગર વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી છે.
આ ઉપરાંત બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલો, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પેલેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત 501 બિન રહેણાંક સ્થળોએ મચ્છરની ઉત્પતી સબબ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે રહેણાંક વિસ્તારમાં 805 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને દંડ વસૂલ કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે નોંધાયેલા ડેંન્ગ્યૂના કેસમાં 45 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અગાઉ સપ્તાહમાં 43 કેસ નોંધાયેલા હતા જેની સામે ગત સપ્તાહે માત્ર 24 કેસો નોંધાયા છે. ડેંન્ગ્યૂનું સંક્રમણ ઘટી રહ્યું છે પરંતુ કોરોનાના રોજ બે થી ચાર કેસો નોંધાઇ રહ્યાં છે.
એક અઠવાડિયામાં 289 લોકો શ્ર્વાનની અડફેટે ચડ્યા!
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા પ્રથમવાર સપ્તાહિક આંકડાઓની સાથે એક સપ્તાહમાં કેટલા ડોગ બાઇટના કેસો નોંધાયા છે. તેની પણ સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. ગત 15 થી 21 નવેમ્બર દરમિયાન એક સપ્તાહના સમયગાળામાં 289 લોકોને કૂતરાઓ બચકાં ભર્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. શ્ર્વાન ખસીકરણ પાછળ વર્ષે દાણે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે છતા તેના ધાર્યા પરિણામો મળતાં નથી.
પ્રતિદિન 40થી વધુ લોકો શ્ર્વાનની હડફેટે ચડી જતા હોવાની સત્તાવાર જાહેરાત ખુદ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલએ રાજકોટની મુલાકાત દરમિયાન મેયર સહિત કોર્પોરેશનના પદાધિકારીઓને કૂતરાનો ત્રાસ ઓછો કરવા માટેની તાકીદ કરી હતી. જેને પગલે પણ ડોગ બાઇટના કેસ જાહેર કરવામાં આવ્યા હોવાનું મનાઇ રહ્યું છે.