અબતક, રાજકોટ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની નજરમાં વસી જઇ પોતાનું રાજકીય કેરિયર બનાવવા માટે ભાદરવાના ભીંડાની જેમ ફૂટી નીકળેલા કેટલાંક નેતાઓ આજે ભારે હરખઘેલાં થઇ ગયાં હતાં. સંગઠનમાં સામાન્ય હોદ્ો ધરાવતાં અને સૌરાષ્ટ્રના કહેવાતા પ્રથમ પંક્તિના નેતા અત્યારથી પાટીલને સીએમ તરીકે નીહાળવા લાગ્યા છે. રાજકોટમાં આજે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ દરમિયાન જાણે પોતે જ સંગઠન ચલાવતા હોય તેવા રૂઆબમાં જોવા મળ્યા હતાં.
ગુજરાત સત્તા પરિવર્તન થયાં બાદ કેટલાંક સામાન્ય કક્ષાઓના નેતાઓના મનમાં પણ હવે પ્રદેશ કક્ષાના નેતા બનાવા માટેના અભરખા જાગ્યા છે. અગાઉ વિજયભાઇ રૂપાણીના કારણે જ રાજકીય કારર્કીદીને સાચી દિશા મળી છે. તેવા નેતાઓ હવે સી.આર.ના ખોળે બેસી ગયા હોય તેવું લાગ્યું રહ્યું છે. સંનિષ્ઠ કાર્યકરની વ્યાખ્યામાં પણ ન આવે તેવા લોકો હવે પોતાની જાતને પ્રદેશના નેતા માનવા માંડ્યા છે. આજે જ્યારે રાજકોટમાં સી.આર. અલગ-અલગ 4 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં ત્યારે આવા ભાદરવાના ભીંડા જેવા નેતાનો હરખ ક્યાંય સમાતો ન હતો. જાણે પોતે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનું રાજકારણ ચલાવતા હોય તેવો વટ રાખીને ફરતા હતાં. વર્ષો જૂના કાર્યકરો અને આગેવાનોને વારંવાર શિખામણ આપતા નજરે પડતાં હતાં.
પ્રદેશ સંગઠનના અમુક હોદ્ેદારો અત્યારથી જ પાટીલને સી.એમ. તરીકે જોવા લાગ્યા: રાજકોટમાં પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ દરમિયાન જાણે પોતે જ પક્ષ ચલાવતા હોય તેવો રૂઆબ
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું એકમાત્ર લક્ષ સંગઠનને મજબૂત કરવાનું છે અને તેઓએ આ દિશામાં ખંતથી કામ પણ કરવા લાગ્યા છે. તેઓની બાજુમાં ચડેલા નેતાઓ સી.આર.ને ભાવિ મુખ્યમંત્રી માની રહ્યાં છે અને વહેલી ચુંટણી યોજાઇ અને સી.આર. ઝડપથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થાય તેવો હરખ તેઓના મનમાં સ્વયંભૂ પ્રગટી રહ્યો છે. સત્તા પરિવર્તન થયા બાદ અગાઉ જે નેતાઓનું સ્થાનિક લેવલે પણ કંઇ ઉપજતું ન હતું તે હવે પોતાને મોટા માની રહ્યાં છે અને કાર્યકરોના અપમાન પણ કરી રહ્યાં છે.