રાજ્યકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કાજલીથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવ્યો
રાજ્યકક્ષાના પરિવહન અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ મંત્રીએ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓને નવા ઘરોની પ્રેતિકાત્મક રૂપે ચાવી અર્પણ કરી હતી. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની આર્થિક સહાયના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યો હતો.
મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેથી કરાવ્યો છે. આ યાત્રા દરમિયાનના કાર્યક્રમ અંતર્ગત 12 વિભાગોના રૂા. 441.89 કરોડના 19,630 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ રૂ.967.82 કરોડના 23,320 જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે જ લોકોને રાજ્ય સરકારના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે.
રાજ્ય સરકારના સુશાસનને પગલે છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભ પહોંચ્યા છે. લોકોને ઘરનું ઘર, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, અને અનાજ જેવી તમામ જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે. ત્યારે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માધ્યમથી રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે ગ્રામલોકોને જુદી જુદી યોજનાઓથી માહિતગાર કવામાં આવશે.
આ પ્રસંગ પૂર્વમંત્રી જશાભાઈ બારડે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જનસુવિધા માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. સેવસેતુના માધ્યમથી જરૂરી સેવાઓ અને યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની અસંખ્ય યોજનાઓ આજે લોકોની સેવા માટે અમલમાં છે. લોકો માટે જરૂરી દરેક સહાય માટે કેન્દ્ર-રાજ્ય સરકારની કોઈને કોઈ યોજના અમલમાં છે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી શર્યુબેન ઝણકાટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.