જેતપુર કોંગ્રેસમાં ચાલતા જુથવાદમાં પોલીસને ભીંસમાં લેવા જતા પોતે જ ભોઠપ સાથે મહિલા કોંગી આગેવાન ભીસમાં મુકાયા
મહિલા આગેવાનના ભાઇ અને ભત્રીજી સહિત દારૂના દરોડામાં નવ પકડાયા: 450 લીટર આથો અને 90 લીટર દેશી દારૂ કબ્જે
સમાજ સુધારવાની સુફીયાણી વાતો કરનાર મહિલાએ પોતાના જ ઘરમાં સાફ સફાઇ સાથે સુધારો કરવો જરૂરી
અબતક કરણ બારોટ, જેતપુર
જેતપુરમાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા મહિલા કોંગ્રેસ આગેવાન અને સમાજ સેવિકા દ્વારા રેલી કાઢયાના ગણતરીના દિવસોમાં જ પોલીસ હરકતમાં આવી દેશી દારૂના ધંધાર્થી પર ધોસ બોલાવી એક સાથે સાત સાથે દેશી દારૂના દરોડા પાડતા રેલી કાઢનારના સમાજ સેવિકાના ભાઇ અને ભત્રીજી દેશી દારૂ સાથે પોલીસની ઝપટે ચડી જતા દેશી દારૂ અંગે બુમાબુમ કરનાર કોંગ્રેસના મહિલા આગેવાનની બોલતી બંધ થઇ ગઇ હતી.
સમાજ સુધારાની વાતો કરી દારૂબંધીનો કડક અમલ કરાવવા રેલી કાઢી પોલીસનું મોરલ તોડવા ઉચ્ચ પોલીસ અધિકારીને રાવ કરનાર મહિલા આગેવાન પોતાના જ પક્ષના કેટલાક શખ્સોની દારૂના ધંધામાં સંડોવાયા હોવાથી પક્ષમાં નીચા બતાવવા પોલીસનો હાથા તરીકે ઉપયોગ કરી દારૂ અંગે દરોડા પડાવવાનો કારસો રચી રેલીનું આયોજન કર્યાનું ચર્ચાય રહ્યું છે.
પોલીસે લોક મુખે ચર્ચાથી વિગતની ખરાઇ કરી દેશી દારૂના અંગે રાવ કરનાર મહિલાના ભાઇ અને ભત્રીજી ખુદ દેશી દારૂના ધંધામાં સંડોવાયા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે રેલી અને રજૂઆતના પગલે હરકતમાં આવી જેતપુરના ગોંડલ દરવાજા, નરસંગ ટેકરી, વડલી ચોક, ભોજાધાર અને ધોરાજી રોડ પર પટેલ સમાજની વાડી પાછળના વિસ્તારમાં દેશી દારૂ અંગે દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો હતો.
પોલીસના દરોડા દરમિયાન દારૂ અંગે રજૂઆત કરનાર મહિલા આગેવાનના લલિત હમીર વેગડા અને ભત્રીજી કાજલ લલિત વેગડા દેશી દારૂ સાથે પોલીસે ધરપકડ કરી મહિલા આગેવાનના ભાઇ અને ભત્રીજી દ્વારા ચાલતા કાળા કરતુતને ખુલ્લા પાડયા છે.
ભાઇ-ભત્રીજી દેશી દારૂ સાથે પકડાતા મહિલા આગેવાનની બોલતી બંધ થઇ ગઇ છે. પોલીસે આ ઉપરાંત ગોંડલ દરવાજા પાસેથી જગદીશ ગોવિંદ વેગડા, નરસંગ ટેકરી પાસેથી હંસા ધનજી ચાવડા, વિજય કાનજી વેગડા, એક સગીર શખ્સ, વડલી ચોકમાંથી ગૌરીબેન રાજેશ વાઘેલા, ભોજાધાર પાસેથી હરેશ ઉર્ફે હરીયો દિલીપ પરમાર અને ધોરાજી રોડ પટેલ સમાજની વાડી પાછળ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મુળ જૂનાગઢના સુનિલ વલ્લભ પરમારની રૂા.30 હજારની કિંમતના 90 લિટર દેશી દારૂ અને 450 લિટર દેશી દારૂ બનાવવાનો આથો કબ્જે કર્યો છે. પોલીસના દરોડા દરમિયાન હરસુખ વશરામ ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.