આજે રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં કમોસમી વરસાદની આગાહી: છેલ્લા 24 કલાકમાં 113 તાલુકાઓમાં ઝાપટાથી લઈ 3 ઈંચ સુધી વરસાદ: સવારથી 20 તાલુકાઓમાં વરસાદ: વાતાવરણમાં ભારે ઠંડક
અરબી સમુદ્રમાં સજાયેલા સાયક્લોનીક સરક્યુલેશન અને મહારાષ્ટ્ર, ગોવાના દરિયાકાંઠા નજીક સક્રિય થયેલા લો-પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સતત બીજા દિવસે માવઠાના મારથી જગતાત પર ચિંતાના વાદળો ઘેરાઇ ગયા છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 113 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યા બાદ સવારથી 20 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટમાં પણ સવારે ઝાપટુ પડ્યું હતું. વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. દરમિયાન આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા ઉપરાંત કચ્છ જિલ્લામાં કમૌસમી વરસાદ પડે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. માવઠાના કારણે રાજ્યભરમાં બે દિવસ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરાય છે. ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 113 તાલુકાઓમાં 1 થી લઈ 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આજે વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં કુલ 20 તાલુકાઓમાં માવઠા જોવા મળ્યા હતા. જેમાં સૌથી વધુ વરસાદ પાટણના રાધનપુરમાં 1 ઈંચ, દિશામાં 11 મીમી, અંજારમાં 10 મીમી, કામરેજમાં 9 મીમી, પાલનપુરમાં 7 મીમી અને કલ્યાણપુરમાં પણ 7 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.આજે પણ રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી બે દિવસ ખેડૂતો માટે મુશ્કેલીભર્યા રહેશે. પૂર્વી મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ હોવાના કારણે આગામી 48 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. આગામી બે દિવસ પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગે હજુ પણ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.આગાહીને કારણે ખેડૂતોને પોતાની જણસ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય પૂર્વ અરેબિયન સમુદ્ર પર લો પ્રેશર સાથે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કારતક માસમાં અષાઢી માહોલ થઈ જતા રાજ્યના 15 તાલુકામાં એક ઈંચ, જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે કપાસ, ઘઉં, રાયડો, મકાઈ, તુવેરના પાકને નુકસાન થયું છે. ગુરૂવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી.