અબતક-રાજકોટ
દ્વારકા બાદ મોરબી ઝીંઝુડામાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા નેશનલ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. મોરબી ઝીંઝુડાના ડ્રગ્સ મામલે પગેરું હવે પંજાબ પહોંચ્યું છે અને ત્યાંથી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ ઝીંઝુડાનો શખ્સ શૈયદને આ જથ્થો અઠવાડિયું સાચવવા માટે રૂ.૫ લાખ મળતા હોવાનું સામે આવ્યું છે. આ તમામ કાવતરું દુબઈમાં ધડાયું હતું જેમાં બે પંજાબી પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
દુબઈમાં ડ્રગ્સનું કાવતરું ધડવામાં ઝાહિદ બ્લોચ સાથે બે પંજાબી પણ સામેલ હોવાનું ખુલ્યું
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના ઝીંઝુડા ગામમાં ગુજરાત એટીએસ અને સ્થાનિક પોલીસે રૂ.૬૦૦ કરોડનો ૧૨૦ કિલોનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયા બાદ નેશનલ એજન્સી સહિતના તમામ તપાસમાં ઝંપલાવ્યા છે. જેમાં અનેક મોટા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે.
મોરબી ઝીંઝુડા ગામનો ડ્રગ્સ મામલો હવે પંજાબ સુધી પહોંચ્યો છે. આ જંગી કંસાઈનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાથી પોલીસે તપાસ કરતા પાંચ પંજાબીની પણ ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનથી ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં ધુસેડવાનો પ્લાન દુબઈમાં ધડવામાં આવ્યો હતો.
ઝીંઝુડાના શૈયદને અઠવાડિયા સુધી ડ્રગ્સ સાચવવા રૂ.૫ લાખ આપવાના હતા:
ઝાહિદના પિતા ઇન્ડોનેશિયામાં રૂ.૬૦૦ કરોડના હેરોઇન સાથે ઝડપાયો
દુબઈમાં થયેલી મિટિંગમાં મેઈન સૂત્રધાર ઝાહિદ બ્લોચ સાથે સૌરાષ્ટ્રના મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર હાજુ અને ગુલામ હુસૈન સાથે બે પંજાબી પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ઝીંઝુડામાં મળેલો ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હોવાથી પોલીસે તપાસ હાથધરી પાંચ શખ્સોની ધરપકડ પણ કરી છે.
મોરબીમાં ઝીંઝુડામાં ગામમાં રહેતા શૈયદને કરોડોનો ડ્રગ્સનો જથ્થો એક અઠવાડિયા સુધી સાચવવા માટે રૂ.૫ લાખ આપવાનું નક્કી થયું હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. જ્યારે મુખ્ય સૂત્રધાર મુખ્તાર અને ગુલામે વેગેનારમાં લાઇટની બાજુમાં ચોર ખાનું બનાવી તેમાં ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરવાની હતી. પરંતુ તે પહેલાં જ સમગ્ર મામલે પોલીસે ભાંડો ફોડી નાખ્યો હતો.
પાકિસ્તાનમાં રહેતા અને આંતરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયામાં સામેલ ઝાહિદ બ્લોચના પિતા બશીર બ્લોચ પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. કારણ કે ઝાહિદના પિતા બશીર ઇન્ડોનેશિયામાં રૂ.૬૦૦ કરોડના હેરોઇનના જથ્થા સાથે ઝડપાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પંજાબ-રાજસ્થાન આંતરરાષ્ટ્રીય બોર્ડર સીલ થતા સૌરાષ્ટ્રનો દરિયા કિનારે ડ્રગ્સની હેરાફેરી વધી
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીમાં માફિયાઓ માટે પંજાબ અને રાજસ્થાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર સીલ થતા હવે સૌરાષ્ટ્રના ભવ્ય દરિયા કિનારો એપી સેન્ટર બન્યો છે. જેથી હવે જાણે સલાયાનો ભૂતકાળ ફરી પુનઃ જીવિત થતો દેખાઈ રહ્યો છે. જેના પર સ્થાનિક પોલીસ અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સતર્ક નહિ રહે તો ભવિષ્યમાં આ દરિયા કિનારેના રસ્તે આરડીએક્સ જેવી વસ્તુઓની પણ હેરાફેરી થવાની શક્યતાઓ વધી રહી છે. જેથી હવે પોલીસ અને કેન્દ્ર સરકારે દરિયા કિનારા પર સુરક્ષા વધારવાની તાતી જરૂરિયાત ઉભી થઇ હોવાનું લાગી રહ્યું છે.
ઝીંઝુડામાં કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ પર
મોરબી સ્થાનિક પોલીસ અને ગુજરાત એટીએસની ટીમે રૂ.૬૦૦ કરોડનું ૧૨૦ કિલો ડ્રગ્સ સાથે મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર, ગુલામ હુસૈન અને શૈયદને ઝડપી પાડ્યા હતા. આ ડ્રગ્સનો જંગી જથ્થો ક્યાંથી આવ્યો? ક્યાં મોકલવાનો હતો? કેટલા રૂપિયા મળ્યા? કોણ પેમેન્ટ કરવાનું હતું? સહિતના અનેક સવાલો સાથે આરોપીને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.